Thursday, January 26, 2012

સાથી હાથ બઢાના


-ઉત્પલ ભટ્ટ

(અમદાવાદ રહેતા મારા મિત્ર ઉત્પલ ભટ્ટ મૂળ પત્રકાર અને પ્રિન્ટ માધ્યમ તેમજ ઈલેકટ્રોનિક માધ્યમ સાથે સક્રિયપણે સંકળાયેલા રહ્યા પછી હવે સરકારી નોકરીમાં છે. આ બન્ને પ્રકારની કારકિર્દીમાં રહ્યા હોવા છતાં તેમનામાં રહેલી સંવેદનશીલતા હજી અકબંધ રહી શકી છે.  પોતાનો એક અનુભવ તેમણે પત્રરૂપે લખી મોકલ્યો છે. યોગાનુયોગે આજે દેશનો ત્રેસઠમો પ્રજાસત્તાક દિન છે. આ પોસ્ટ આપણા 'પ્રજાસત્તાક' રાષ્ટ્રને અને જેના હાથમાં સત્તા રહેલી છે એ 'પ્રજા'ને અર્પણ છે. )

પ્રિય મિત્રો,
કુશળ હશો. પણ હું મારા માટે એમ કહી શકું એમ નથી. 
ના, એવું કશું અંગત કારણ નથી. કારણ સામાજિક, સામૂહિક છે, એટલે મને થયું કે મારી અનુભૂતિ તમારી સાથે વહેંચીને થોડો હળવો થાઉં.
વર્તમાન ગુજરાત સરકાર દ્વારા ત્રણ દિવસનો ગુણોત્સવ નામે કાર્યક્રમ ઉજવવામાં આવે છે, એની આપને જાણ હશે જ. આ કાર્યક્રમનો મૂળભૂત હેતુ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓનું  મૂલ્યાંકન કરવાનો છે. વિવિધ ખાતાઓના સરકારી કર્મચારીઓને આ માટે રાજ્યભરમાં મોકલવામાં આવે છે.
મને પણ આ કાર્યક્રમમાં સામેલ થવાનો મોકો નવેમ્બર,૨૦૧૧ માં મળ્યો હતો. ત્રણ દિવસમાં ત્રણ ગામની શાળાઓની અમે મૂલ્યાંકન માટે મુલાકાત લીધી.
આમાંની એક શાળા હતી શરૂપુર ટીંબી નામના ગામની. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વડોદરાથી સુરત જતાં વચ્ચે પાલેજ આવે છે. પાલેજથી ડાબી બાજુએ વળીએ એટલે કોળીયાદ વટાવ્યા પછી આ ગામ આવે છે. સાવ છેવાડાનું, મુખ્યત્વે ખેતી પર નભતું આ ગામ છે, જેમાં આવેલી પ્રાથમિક શાળામાં ભણતાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પણ મોટે ભાગે ખેતમજૂરોનાં સંતાનો છે. ખેતમજૂર એટલે ગરીબીનો પર્યાય. બે ટંકનું ભોજન મેળવવા માટે તેના આખા કુટુંબે દિવસ આખો ખેતરમાં મજૂરી કરવી પડે. બાળબચ્ચાંઓને ભણવા મોકલે તો એમનો રોજ પડે. એને બદલે એ લોકો મજૂરીએ આવે તો કુટુંબની આવકમાં વધારો થાય અને બે ટંકનું ભોજન પૂરતું મળી શકે.
આમ છતાંય આ છોકરાંઓને શાળાએ ભણવા માટે આવતાં જોઈને મને આનંદ થયો. જો કે, બહુ જલદી તેનું રહસ્ય પણ જાણવા મળી ગયું. અક્ષરજ્ઞાન કે શિક્ષણ માટેના પ્રેમથી પ્રેરાઈને તે અહીં નહોતા આવતા. તેમના આવવાનો હેતુ કંઈક જુદો હતો.
સરકાર સંચાલિત મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત આ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શાળામાં ભોજન જમાડવામાં આવે છે. એ રીતે એક ટંકનું પૂરતું ભોજન મળી રહે અને પેટનો ખાડો પૂરાય. શાળામાં નિયમીત આવવાનું કારણ આ હતું. ભોજનની કે તેની સામગ્રીની ગુણવત્તાનો ઉલ્લેખ જાણી જોઈને હું ટાળું છું, કેમ કે એવો વૈભવ આ બાળકોને પોષાઈ શકે એમ નથી.
એક ટંક પેટ ભરીને જમવા તો મળે !
સ્વાભાવિક છે કે ગુણોત્સવ માટે શાળામાં જતા સરકારી કર્મચારીઓના સ્વાગતમાં કશી કચાશ ન છોડાય. છોકરાંઓને પીવાના પાણીના ફાંફા હોય, પણ મૂલ્યાંકન માટે આવનારાઓ માટે ઠંડા પીણાંની શીશીઓના બિલ્લા ફટાફટ ખોલી દેવામાં આવે. આમાં શાળા સંચાલકોનોય વાંક નથી. પોતાની શાળાનું મૂલ્યાંકન સારી રીતે થાય એ માટે આ સરકારી મહેમાનોની આગતાસ્વાગતા કરવામાં શો વાંધો? ઉપરાંત અતિથિ દેવો ભવનો મંત્ર આપણી ભારતીય સંસ્કૃતિને પણ અનુરૂપ છે. પછી ભલે ને ઘરનાં છોકરાં ઘંટી ચાટતાં. જો કે, મેં આ વિદ્યાર્થીઓને અપાતું મધ્યાહ્ન ભોજન જ જમવાનો આગ્રહ રાખ્યો. સંચાલકોને થોડી નવાઈ લાગી. મારી મનોસ્થિતિ એવી હતી કે ત્યારે બીજું કોઈ પણ ભોજન ખાતાં મને અપરાધભાવ સિવાય બીજી કોઈ લાગણી ન થઈ હોત.-
આ છોકરાંઓએ પહેરેલાં કપડાં પર મારી નજર ગઈ. મોટે ભાગે તેમણે મેલાં, ફાટેલાં વસ્ત્રો પહેર્યાં હતાં. શર્ટનાં તૂટી ગયેલાં બટન એમના એમ જ હોય, તો પેન્ટની બગડી ગયેલી ચેઈન પણ ખુલ્લી કે અધખુલ્લી સ્થિતિમાં જ હોય. અને આ બહુ સહજ સ્થિતિ હતી, જેની તેમને કશી સૂધ નહોતી. આ જોઈને મને કમકમાં આવી ગયાં. એકવીસમી સદીમાં પ્રવેશ્યાનેય હવે એક દાયકો વીતી ગયો. અને
હજીય આ બાળકોની આવી દશા? આપણી જાતને વિકસીત ગણાવવાનો આપણને શો અધિકાર છે? અને આપણા કયા એવા નસીબ છે કે આપણે સુખસગવડો ભોગવીએ? માત્ર અમુક વિસ્તારમાં, અમુક કુટુંબમાં જન્મ લેવાથી જ એમની દશા ને! ખરું જુઓ તો એ આપણા જ ભાંડરડાં કહેવાય!
મારો વારો ક્યારે આવશે? 
આવા આવા અનેક સવાલો મારા મનમાં ઉભા થતા ગયા. મૂલ્યાંકનની ઔપચારિકતા તો મેં પૂરી કરી દીધી અને આ ગામ છોડ્યું, પણ મારા મનમાંથી આ ગામ ખસ્યું નહીં.
પાછા વળતાં સતત વિચાર આવતા રહ્યા કે કંઈક કરવું જોઈએ આપણે. પણ એ કંઈક એટલે શું?
મારાં કુટુંબીઓ અને કેટલાક મિત્રો સાથે આ વાત મેં ચર્ચી. અનેક ચર્ચાઓ પછી પ્રાથમિક ધોરણે એવું નક્કી કર્યું કે ઉત્થાન અને ઉદ્ધારની લાંબીપહોળી વાતો કરવાને બદલે પહેલાં તો તેમને તાત્કાલિક ધોરણે કપડાં પૂરાં પાડવાં. પણ ના, ઉતરેલાં કે જૂનાં કપડાં તો નહીં જ, ભલે ને એ ગમે એવી સારી કે નવા જેવી સ્થિતિમાં કેમ ન હોય! બલ્કે બે જોડી નવો ગણવેશ તેમને આપવામાં આવે તો એમનું એક વરસ ટૂંકું થાય. આમાં દાનનો કે એમને ઉપકૃત કર્યાનો ભાવ ન જ હોય, બલ્કે આવી એમને આવી સ્થિતિમાં જોઈને અનુભવાતી શરમનો અને એને લઈને એક પ્રકારનો ફરજપાલનનો ભાવ હતો.
ન્યૂ જર્સી (અમેરિકા) રહેતા મારા કઝીન ડૉ. શમિક પટેલને મેં આ અંગે વાત કરી અને શમિકે આને બદલે આમ કરવા જેવું છે’, આ રીતે તમે ક્યાં ક્યાં પહોંચી વળશો?’, આવા ગાંડા ન કઢાય જેવી સલાહ, શિખામણ કે સૂચન આપવાને બદલે કાચી સેકંડમાં આ પ્રોજેક્ટને સંપૂર્ણ નાણાંકીય સહાય કરવાનું વચન આપ્યું. આમ, નાણાંકીય પીઠબળની ખાતરી મળ્યા પછી અમે આગળની કાર્યવાહીનો આરંભ કર્યો.
જયેશ પરમાર: દોરાની સિલાઈ
સાથે પ્રેમના ટાંકા
મારો એક મિત્ર જયેશ પરમાર અમદાવાદમાં દરજીકામ કરે છે. તેને આ યોજનાની જાણ કરી. જયેશે પણ આમાં પોતાનો સહકાર આપવાની ઉત્કટતા દેખાડી અને સાવ મામૂલી માર્જિન લઈને પોતે સિલાઈ કરી આપવાની તૈયારી દેખાડી. એના આધારે ગણતરી કરતાં ગણવેશની એક જોડીની સિલાઈની કિંમત રૂ. ૨૨૫/- બેઠી. એક જોડીમાં વિદ્યાર્થીઓ માટે આખી બાંયનું શર્ટ તેમજ ફૂલ પેન્ટ અને વિદ્યાર્થીનીઓ માટે સલવાર તેમજ કમીઝનો સમાવેશ થાય છે. દરેકને એવી બે જોડી આપવાની હતી. આ કામ સોંપવાનું નક્કી કર્યું એ પછી જયેશ જાતે જ એક દિવસ અમદાવાદથી શરૂપુર ટીમ્બી આવવા નીકળ્યો. પહેલાં ટ્રેન, પછી બસ અને ત્યાર પછી શટલ રીક્ષામાં મુસાફરી કરતાં કરતાં એ શરૂપુર ટીમ્બી પહોંચ્યો. આચાર્ય અને શિક્ષિકાબહેનોના સહકાર વડે તેણે કુલ ૩૦ વિદ્યાર્થીઓ અને ૩૧ વિદ્યાર્થીનીઓ, એમ કુલ ૬૧ જણનાં ગણવેશના માપ લીધા અને દરેકના નામ મુજબ માપ લખ્યાં. આ માપને આધારે પેન્ટ- શર્ટ તેમજ સલવાર-કમીઝના કુલ કાપડનો અંદાજ આવી ગયો.
હવે અમે તપાસ કરી કાપડ માર્કેટમાં હોલસેલ કાપડ વેચતા વેપારીની. બે-ત્રણ જગાએ ફરીને પૂછપરછ કરતાં એક દુકાનેથી રેમન્ડના તાકા વાજબી ભાવે ખરીદ્યા. આમ, વિદ્યાર્થી દીઠ એક જોડીની કુલ કિંમત રૂ. ૩૫૦/- આવી.
સિવવાનું કામ શરૂ થયું. થોડા દિવસમાં તમામ ગણવેશ તૈયાર થઈ ગયા એટલે દરેકના ગણવેશનું અલગ પેકેટ બનાવીને તેની પર નામ લખી દેવામાં આવ્યાં. નવમી જાન્યુઆરી, ૨૦૧૨એ શાળામાં જવાનું નક્કી કર્યું. યોગનુયોગે ડૉ.શમિક પટેલ ભારતમાં, અને વડોદરામાં હતા. તેમણે પણ સાથે આવવાની તૈયારી બતાવી. વડોદરાના બીરેન કોઠારી સાથે આ કાર્યક્રમ અમલમાં મૂક્યા પછી વખતોવખત વાત થતી રહેતી હતી. તેમણે સાથે આવવાનું કહી જ રાખ્યું હતું. અમે ત્રણેય ઉપડ્યા શરૂપુર ટીમ્બી.
શાળામાં અમારા આવવાની જાણ હતી, તેથી અમારી જાણે કે રાહ જ જોવાતી હતી. બપોરે બેની આસપાસ અમે પહોંચ્યા. આચાર્ય મહેશભાઈ પટેલ અને શિક્ષિકા બહેનો તારાબેન પટેલ તેમજ વીરલબેન પ્રજાપતિએ અમને આવકાર્યા અને સૌ વિદ્યાર્થીઓને એક વર્ગમાં એકઠા કર્યા. 
"હા, સાહેબ! એ હું જ." 
દરેકના મોં પર ખુશાલી જોઈ શકાતી હતી. દરેકનાં નામની યાદી તૈયાર હતી અને દરેકે દરેક પેકેટ પર જે તે વિદ્યાર્થીનું નામ લખેલું હતું. નામ બોલાય એ વિદ્યાર્થી આવે અને પોતાને અપાયેલી બેગ લઈને હોંશે હોંશે પાછો બેસી જાય. એ વખતે એના મોં પરનું સ્મિત જોવા જેવું હોય. એક પછી એક એમ કુલ એકસઠ જણને બબ્બે જોડી ગણવેશ આપવામાં આવ્યા. નવાં કપડાં હાથમાં આવ્યા પછી એમનાથી એને પહેર્યા વિના રહેવાય? જોતાજોતામાં એક રૂમમાં જઈને વિદ્યાર્થીઓએ અને બીજી રૂમમાં જઈને વિદ્યાર્થીનીઓએ હોંશે હોંશે નવાં કપડાં પહેરી લીધાં. અને બહાર આવીને એકબીજાને કેવાક થઈ રહે છે એ ઉત્સાહથી જોવા માંડ્યા. અમુકને બટન વાસતા બરાબર ફાવતું નહોતું. ડો.શમીકે કાળજીપૂર્વક એમને શર્ટનાં તેમજ બાંયનાં બટન બીડી આપ્યાં. આ દૃશ્ય જોઈને અમારાં હૈયાંને જે ટાઢક મળી છે એને શી રીતે વર્ણવવી! સૌના ચહેરા પર છલકાતી ખુશાલીમાં અમનેય ભીંજાવાનો મોકો મળ્યો અને આ પ્રકારના આગામી પ્રોજેક્ટ અંગે વિચારવાની પ્રેરણા મળી.
"લાવ બેટા, બટન વાસી આપું." 
આ પ્રોજેક્ટને પાઈલોટ પ્રોજેક્ટ ગણીએ તો તેની ટૂંકમાં વિગત આ મુજબ છે:
સ્થળ: સરકારી પ્રાથમિક શાળા, શરૂપુર ટીમ્બી. (જિ.વડોદરા)
કુલ વિદ્યાર્થીઓ: ૬૧ (ધો.૧ થી ૫, જેમાં ૩૦ વિદ્યાર્થીઓ અને ૩૧ વિદ્યાર્થીનીઓ)
અપાયેલા ગણવેશ: ૬૧ ૨ જોડી = કુલ ૧૨૨ જોડી
ગણવેશનું કાપડ: રેમન્ડ્સ
ગણવેશનો રંગ: ડાર્ક બ્રાઉન (પેન્ટ/ સલવાર) અને લાઈટ બ્રાઉન (શર્ટ/કમીઝ)
જોડી દીઠ કિંમત: ૩૫૦/- રૂ.
આમ, આ પહેલા પ્રોજેક્ટનો સફળતાપૂર્વક અંત આવ્યો. પણ ખરેખર તો એ આરંભ છે. પાછા વળતાં આગામી કાર્યક્રમો શી રીતે આગળ વધારવા એ અંગે ઘણી ચર્ચા થઈ અને આવું કંઈક નીપજી આવ્યું.
આગળનો વિચાર એવો છે કે આ પ્રકારની ગુજરાતના અંતરીયાળ વિસ્તારની વધુ ને વધુ શાળાઓને શોધીને તેની પસંદગી કરવી. સામાન્યપણે આવી શાળાઓમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા સોથી ઓછી હોય છે. એટલે કોઈ મિત્ર યા શુભેચ્છક (દાતા નહીં) આખેઆખી શાળાને જ સ્પોન્સર કરે એ ઈચ્છનીય છે, જેથી કામ સરળ અને ઝડપી બની રહે. (રૂ.૩૫૦/- X વિદ્યાર્થીઓની સંખ્યા). અલબત્ત, આ સૂચન માત્ર છે, ફરજિયાત નથી. ચોક્કસ સંખ્યામાં વિદ્યાર્થીઓને ગણવેશ આપવા કોઈ ઈચ્છે તો એ વિકલ્પ પણ છે જ. અરે, એક વિદ્યાર્થીને કોઈ સ્પોન્સર કરવા ઈચ્છે તો પણ આવકાર્ય છે.

નવા કપડા પહેરીને દોસ્તારો સાથે ફોટો પડાવવાની મઝા જ જુદી. 

આ પ્રક્રિયામાં નાણાંકીય લેવદદેવડનો ભાગ અત્યંત પારદર્શક છે. સમગ્ર પ્રોજેક્ટ સ્પોન્સર કરનાર મિત્ર કે શુભેચ્છકે ફક્ત બે ચેક આપવાના રહેશે. એક દરજીના નામનો અને બીજો વેપારીના નામનો. આ સિવાય એક, બે, પાંચ કે દસ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ સ્પોન્સર કરનાર મિત્ર પણ આમ કરી શકે યા મનીઓર્ડર/બેન્ક ટ્રાન્સફર/રોકડા/રૂબરૂ/આંગડિયા દ્વારા પણ મોકલી શકે. અમારું કામ એક હાથમાંથી લઈને બીજા હાથમાં પહોંચાડવા પૂરતું જ છે.
એક વાતનું પુનરાવર્તન જરૂરી સમજું છું. મને લાગે છે કે પૂરતાં કપડાં હોવાં એ દરેકનો મૂળભૂત અધિકાર છે અને આપણા જેવા સુધરેલા ગણાતા લોકોની આ ફરજ પણ છે. કોઈ આ કામ કરે એવી રાહ જોઈને બેસી રહેવાને બદલે કે તંત્રને ગાળો ભાંડવાને બદલે આપણે આટલું કરીએ તોય ઘણું. આમ કરવા પાછળ સેવા કરવાનો કોઈ ભાર મનમાં નથી. બલ્કે ફરજપાલનની જ મુખ્ય લાગણી આ પ્રોજેક્ટ પાછળનું ચાલકબળ છે. ભાવિ આયોજન કે વીઝન-૨૦૨૦ જેવા ભારેખમ શબ્દો વાપરતાંય શરમ આવે છે.
આ એક પ્રોજેક્ટ તો સફળતાપૂર્વક સંપન્ન થયો. હવે? હાલ અમે એવી પ્રાથમિક શાળાઓની તલાશમાં છીએ કે જ્યાંના વિદ્યાર્થીઓને ગણવેશની જરૂરિયાત હોય. પ્રાથમિક તપાસમાં અમને વડોદરા જિલ્લાના કવાંટ તાલુકાના મોગરા ગામની સરકારી પ્રાથમિક શાળા નં.૨ ની જાણકારી મળી છે, જેમાં કુલ ૭૦ વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના મેઘરજ તાલુકાના લીંબોદરા ગામની પ્રાથમિક શાળા નં.૧ અંગે માહિતી મળી છે, જે જૂથશાળા છે અને ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ૨૯૦ છે. મેઘરજ તાલુકાને ગુજરાત સરકારે ડાર્ક ઝોન (અંધારમુલક) તરીકે જાહેર કરેલો છે. પાણીની કાયમી અછત કે ખારાશવાળા વિસ્તારને આ શ્રેણીમાં મૂકવામાં આવે છે.
"એ ફરી આવજો." 
તમારા ધ્યાનમાં આવી કોઈ શાળા હોય તો પણ અમને જણાવી શકો છો. એ રીતેય અમને મદદ મળશે.
એક વાત બહુ સ્પષ્ટ છે કે અમે કોઈ સ્થાયી ફંડ એકઠું કરવા માંગતા નથી કે એન.જી.ઓ.ની જેમ કાગળના એવરેસ્ટ ખડકીને ફંડીંગ મેળવવાનોય કશો ઈરાદો નથી. મારા તમારા જેવા સંવેદનશીલ મિત્રો હાથમાં હાથ રાખીને કામ કરે અને એક સે એક મિલે તો કતરા બન જાતા હૈ દરિયાના ન્યાયે સાવ સહજ ભાવે કામ થાય એવી અને એટલી જ અપેક્ષા છે.
સૌ પ્રથમ અમે શાળા શોધીએ, તેની વિદ્યાર્થીસંખ્યાને આધારે કિંમતનો અંદાજ માંડીએ અને એ પ્રોજેક્ટ પૂરતા કેટલા નાણાં જોઈશે એ જણાવીશું અને ફક્ત એ પ્રોજેક્ટ પૂરતી રકમ જ એકઠી કરીશું. આને લઈને નાણાંકીય વહીવટનો હિસ્સો સરળ રહેશે. કેમ કે આ આખા કાર્યક્રમમાં મૂળભૂત હેતુ નાણાંકીય વહીવટનો નથી, બલ્કે વસ્ત્રો જેવી મૂળભૂત જરૂરીયાત પૂરી પાડવાનો છે.
વધુ વિગતો માટે આપ મારો સંપર્ક + 91 97129  07779 (cell) પર કરી શકશો યા bhatt.utpal@gmail.com પર ઈમેલ કરી શકશો. 
આપના તરફથી  સહકારની અપેક્ષા સાથે એટલું જ કહીશ કે સાથી હાથ બઢાના’.

આપનો,  

ઉત્પલ ભટ્ટ

Tuesday, January 17, 2012

હોમાય વ્યારાવાલા: સ્મૃતિની કેટલીક રીપ્રિન્ટ્સ


એમનું જીવન બહુ પ્રેરણાદાયી હતું’, સદગતના જવાથી સમાજને ન પૂરાય એવી ખોટ પડી છે’, એમને આ સન્માન મળવાથી ખુદ આ એવોર્ડનું ગૌરવ વધ્યું છે’, એ મુઠ્ઠી ઉંચેરા માનવી હતા’, એમનો સ્વભાવ નારિયેળ જેવો હતો- બહારથી કડક ને અંદરથી નરમ’….. ના, આ ઉદગારો કંઈ હોમાય વ્યારાવાલાને અંજલિરૂપે કોઈએ નથી કહ્યા. પણ કહે તો નવાઈ નહિ. ખરેખર તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સદગત માટે આવા જ ઉદગારો ફેંકે છે. વાત સાચી તો હશે જ. પણ આ શબ્દપ્રયોગો ઘસાઈ ઘસાઈને એ હદે લપટા પડી ગયા છે કે એનો ધ્વનિ જ્યાં ખુદ એ બોલનારના મનમાં ન ઉપસતો હોય તો સાંભળનારના મનમાં ક્યાંથી ઉપસે? અને છતાંય આવી અંજલિઓ હવામાં ઉછળતી રહે છે.
શું ખરેખર કોઈ વ્યક્તિના જવાથી ન પૂરાય એવી ખોટ પડે છે ખરી?  વિદાય લેનાર વ્યક્તિ કુટુંબની મુખ્ય વ્યક્તિ હોય તો તેના કુટુંબ પૂરતી આ વાત લાગુ પડે કદાચ, પણ હોમાયબેનની જેમ ૯૮ વરસની પાકટ વયે વિદાય લેનાર વ્યક્તિ માટે આવું કહી શકાય? શી રીતે એમનું જીવન પ્રેરણાદાયી હતું? એમના જીવનમાંથી ખરેખર કયા પ્રકારની પ્રેરણા લઈ શકાય?
***** ***** *****
સાવ નાનપણમાં તેમના ઘરની આર્થિક સ્થિતિ સાધારણ હતી એને કારણે સ્વાવલંબન અને સ્વાશ્રયના જે પાઠ શીખવા મળ્યા તે હોમાયબેને આજીવન યાદ રાખ્યા અને તેનો અમલ કર્યો. 'સ્મોલ, સીમ્પલ એન્ડ બ્યુટીફુલ'નું સૂત્ર એમણે અપનાવેલું. પોતાને જરૂર હોય એવી ચીજવસ્તુઓ બને ત્યાં સુધી જાતે જ બનાવી લેવાની તેમની આવડત તેમણે કેળવેલી. આને કારણે કોઈ પણ ચીજ તેમને નકામી ન લાગે, બલ્કે એનો તે એવો ઉપયોગ કરે કે આપણે જોતા જ રહી જઈએ. આ માટે કરવત, હેક્સો, સ્ક્રૂ ડ્રાઈવર, હથોડી, પાનાં- પક્કડ ઉપરાંત ડ્રીલ મશીન જેવાં જરૂરી સાધનો તેમના ઘરમાં ચાલુ સ્થિતિમાં તદ્દન હાથવગાં ગોઠવાયેલાં જોવા મળે. નાના-મોટા સ્ક્રૂ, નટ-બોલ્ટ, તાર, વોશર તેમજ બીજી કેટલીય ચીજો તેમના ડ્રોઅરમાં એ રીતે મૂકાયેલી હોય કે જોઈએ ત્યારે એ મળે જ. તેમની આવી આદત અને શોખને કારણે તેમના દિલ્હીના સાથીદારો તેમને ક્યારેક મિસીસ કબાડીવાલા તરીકે સંબોધતાં.
મિસીસ કબાડીવાલાનો  અસલી ખજાનો   
તેમની કારીગરી અને કૌશલ્ય એવાં સફાઈદાર કે તેમાં એક જાતની સાદગી અને સૌંદર્ય બન્ને જોવા મળે. કાગળની નાનામાં નાની ચબરખીનો એ યોગ્ય ઉપયોગ કરે. ટપાલમાં આવતાં એન્વેલપની ધાર ઉખાડે અને તેને ઉંધું કરીને ચોંટાડે એટલે એ ફરી વાપરવા લાયક બની જતું. ફૂલછોડ તેમને બહુ પસંદ હતાં, પણ કોઈ બુકે આપે તો એમને જરાય ન ગમે. છેલ્લા વરસમાં તેમને મળવા આવનારા ગુલાબના બુકે લઈને આવે અને ઢગલાબંધ ગુલાબની નિર્મમ હત્યા થયેલી જોઈને હોમાયબેનનો જીવ બળી જાય. તેમને લાગ્યું કે બુકે લાવનારને તો રોકી શકાય એમ નથી. એટલે એ ગંભીરતાથી વિચારતાં હતાં કે હવે ગુલકંદ બનાવતાં શીખી જવું પડશે, જેથી ગુલાબનો યોગ્ય ઉપયોગ થાય.
ભોજનમાં તેમને વૈવિધ્ય બહુ પસંદ. અવનવા પ્રયોગો કરતાં રહે, જેનો લાભ ક્યારેક અમનેય મળતો. એક વખત કહે, ડેન્સીટી મિટર વડોદરામાં ક્યાં મળે?’ મેં પૂછ્યું, તમારે એનું શું કામ છે, એ કહો. એટલે કહે, એક પ્રયોગ કરવા માંગું છું. આંબળામાંથી વાઈન બનાવી જોવો છે. એમાં મેં વાંચ્યું કે અમુક ડેન્સીટી રાખવી પડે. આ વાત ત્રણેક વરસ અગાઉની છે. એ વખતે એમની ઉંમર પંચાણું હશે.
તેમની પાસે બે-ત્રણ જાતની ઓવન હતી. એમાં પણ એ જાતજાતના સફળ અખતરા કરે. બટર બિસ્કીટ એમને બહુ પસંદ હતાં, પણ વડોદરામાં મળતાં બટર બિસ્કીટ એમને જરા કચાશ પડતા લાગતાં. એટલે બટર બિસ્કીટને એ પોતાની ઓવનમાં ફરીથી શેકીને કડક કરતા. નારંગીનાં સૂકવેલાં છોતરાં અને મરી નાંખેલી ગરમાગરમ ચા પણ ક્યારેક અમે ભેગા પીતાં. નારંગી-મોસંબી તેમજ લીંબુનાં છોતરાંમાંથી માર્મલેડ (મુરબ્બો) એ જાતે જ બનાવતાં. ફ્રૂટ કેક પણ એ બહુ સરસ બનાવતાં. મઝાની વાત એ હતી કે એ પોતે એકલાં જ હતાં. પણ પોતાના એકલા માટેય જફા કરીને ઉત્સાહપૂર્વક બનાવવાનું એમને મન થતું. ક્યારેક આવી કોઈક વાનગીનો અમનેય લાભ મળતો. વિવેક ખાતર નહીં, પણ ખરેખર એ ચીજ સરસ બની હોય એટલે અમે વખાણ કરીએ ત્યારે એ મજાકમાં કહે, તમને થશે કે એવનને ખરા ચટાકા થાય છે!
તેમણે જાતે બનાવેલારસોડાના  કેટલાક સાધનો , જેમાં બીબાં, કટર વગેરે છે. 
પોતાને આટલા વરસ થયાં એનો ઉલ્લેખ કરવો તો એમને જરાય ન ગમે. એ ઘણી વાર કહેતાં, મારું બોડી ૯૮ વરસનું થયું છે, પન મારું દિમાગ તો હજી યંગ છે. પોતાની ઉંમરની દુહાઈ આપીને યુવાનોને સંદેશો કે ઉપદેશ આપવાય ન બેસી જાય. પણ ઘણી વાર વાતવાતમાં એ એવી વાત બોલી જાય કે આપણને થાય કે જીવનને માણવાનો આવો મંત્ર કોઈ કિતાબમાંથીય ન મળે. એક વાર એમણે કહ્યું, વાંચવા લખવાનો શોખ સારો છે. પણ એના સિવાય હાથ વડે કંઈક થઈ શકે એવા એકાદ બે શોખ કેળવવા જોઈએ. પાછલી ઉંમરે આંખો બરાબર ન ચાલે ત્યારે આવા શોખ જીવન જીવવામાં મદદરૂપ થાય છે. શોખ અંગે એક વાર એમણે કહેલું, યુવાનીમાં બે-ચાર શોખ કેળવી રાખવા જોઈએ. એવું બને કે એને વિકસાવવાનો સમય ત્યારે ન મળે. પણ વાંધો નહીં. નિવૃત્તિના સમયમાં એ શોખને વિકસાવી શકાય અને એને માણી શકાય. તેમણે પોતેય અનેક શોખ કેળવી રાખેલા અને પોતાની વ્યાવસાયિક કારકિર્દી છોડ્યા પછી એને બરાબર કેળવેલા.
ઓટલે બેસી રહેતી સ્ત્રીઓ સામે એમને સખત ચીડ હતી. સ્ત્રીઓને આવો ફાજલ સમય શી રીતે મળી રહેતો હશે એની એમને નવાઈ લાગતી. એમને છેલ્લે હોસ્પિટલમાં ખસેડ્યા એના બેએક દિવસ અગાઉ તેમણે ટાઈમ્સમાં એક વૃદ્ધાશ્રમની જાહેરાત વાંચી. મને એસ.એમ.એસ.થી એનો ફોન નંબર મોકલીને પૂછપરછ કરવા જણાવ્યું. મેં પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે એ ખરેખર તો પથારીવશ લોકો માટેનું કેર યુનિટ છે અને એમાં ટ્વીન શેરિંગ (એક રૂમમાં બે જણ)ની પદ્ધતિ છે. પરેશ પ્રજાપતિને મેં આખી વાત જણાવી અને કહ્યું કે હોમાયબેનને આ વિગત સમજાવે. અમે જાણતા હતા કે હોમાયબેનને ટ્વીન શેરિંગ સાંભળીને જ વાંધો પડશે. પરેશે એમને બધી માહિતી આપી અને છેલ્લે કહ્યું કે આમાં ટ્વીન શેરિંગની પદ્ધતિ છે. આ સાંભળીને જ હોમાયબેન હસી પડ્યાં અને પરેશને કહે, તાં તો મને ના ફાવે. મારી બાજુવાલી ડોસી ઠોં ઠોં કરીને ખાંસી ખાય એ સાંભલીને જ હું તો સીક થઈ જઉં. એ ના પાડશે એ તો અમે જાણતા હતા, પણ એમની આ અભિવ્યક્તિ સાંભળીને અમે જે હસ્યાં છે!
નવ્વાણુમા વરસમાં પ્રવેશવા છતાં એમનો આ જુસ્સો જ એમને હોમાયબેન બનાવતો હતો. પોતાના ક્ષેત્રમાં ગરિમાનો અભાવ પ્રવેશી ગયો છે એમ લાગતાં હોમાયબેને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી, પણ સમગ્રપણે ગરિમાના અભાવના પરચા એમને મળતા રહ્યા. એમના ગ્લેમરથી અંજાઈને પત્રકારમિત્રો તેમના અંગે સ્ટોરી લેવા આવે, સ્ટોરી મળે એ પછી તેમને હોમાયબેનના જીવન અંગે કૂતુહલ જાગે અને ભળતાસળતા પ્રશ્નો પૂછે, એમના ઘરમાં આંટો મારી આવે, કોઈ પણ વસ્તુને હાથમાં લઈને જુએ અને ગમે એમ એને મૂકે- આવું બધું સામાન્ય બનતું ગયું. એક જાણીતા ગુજરાતી અખબારના સિનીયર તસવીરકાર પોતાનું (વાહિયાત) પુસ્તક ભેટ આપવા હોમાયબેનને ત્યાં આવ્યા. 'માયજી', 'મા', 'મધર' જેવા સમ્બોધનો છૂટથી વાપરીને પછી વિદેશી હેટમાં સજ્જ આ તસવીરકાર કોઈ મ્યુઝીયમમાં આંટો મારતા હોય એમ હોમાયબેનના ઘરમાં વગર પૂછ્યે ફરી આવ્યા અને બોલી ઉઠ્યા, આ ડોસી બહુ કંજૂસ લાગે છે! 
વડોદરાની સ્થાનિક આવૃત્તિ માટે જરૂરી તસવીરો કે બાઈટ્સ લેવા છાશવારે એમને ત્યાં ઘણા દોડી જતા. ટાણુંકટાણું જોયા વિના આવી જતા આ ભાઈ-બહેનોને સામાન્ય માનવીય વિવેક જાળવવાનું પણ ન સૂઝતું, ઉલ્ટાનું એ લોકો હોમાયબેનને ઉપકૃત કર્યાનો ભાવ રાખતા.
આવી અનેક કડવીમીઠી બાબતો હોમાયબેનની સ્મૃતિ સાથે જોડાઈ ગયેલી છે.
અહીં તેમણે જાતે બનાવેલી પોતાની જરૂરિયાત મુજબની કેટલીક ચીજોની તસવીર આપી છે, જેને જોવાથી તેમના કૌશલ્યનો અને સૂઝનો અંદાજ આવી શકશે.

                                               ***** ***** *****

તેમનો દિકરો ફારૂક (કસરત માટે) બુલવર્કર વાપરતો. દીકરાના અવસાન પછી બુલવર્કર નકામું થઈ ગયું. તેની ભારે સ્પ્રિંગ કાઢીને હોમાયબેને દરવાજા સાથે એ રીતે બાંધી કે ઝાંપો ખોલીને કોઈ અંદર પ્રવેશે એ પછી દરવાજો આપમેળે બંધ થઈ જાય. એ પોતે ઉપરના માળે રહેતાં હોવાથી દરવાજો બરાબર બંધ થયાની  ચિંતા ન રહે. 


଴ 

નીચેનો ઝાંપો ખોલીને દાદરો ચડનારે આ ઝાંપલી પાસે ઉભા રહીને દોરી ખેંચવાની જેની સાથે બાંધેલી ઝીણી ઝીણી ઘંટડીઓ રણકે અને હોમાયબેનને કોઈ આવ્યાની ખબર પડે. આ ઝાંપલી તેમણે પાટિયામાંથી બનાવેલી. પાટિયાં હવે થોડા ઢીલા પડ્યા હતા પણ તેની સાથે તાર એવા મજબૂતીથી બાંધ્યા હતા કે તારના માળખા પર આ ખપાટિયાં ટકી રહ્યા હતા. થોડા વખત પહેલાં તેમણે કહેલું- 'હવે આ ઝાંપાને રીપેર કરવાનો થયો છે. મારી પાસે પાટિયાં પડ્યાં છે એને (કરવત વડે) કાપી કાઢસ'. 


଴ 

ઘરના મુખ્ય દરવાજામાંથી અંદર પ્રવેશીએ એટલે ડાબી બાજુ એક કળાત્મક ઇઝલ પર બે ફોટા મૂકેલા જોવા મળે. નાનો ફોટો તેમના સ્વર્ગસ્થ દીકરા ફારુકનો છે. જ્યારે બીજા ફોટામાં જવાહરલાલ નહેરૂ પોતાનાં બહેન વિજયાલક્ષ્મી પંડિતને ઉષ્માસભર આલિંગન આપતા દેખાય છે. 


଴ 

ઇઝલવાળી દિવાલ પર સાવ નીચી નહીં અને ઉંચી નહીં એવી સાદી બેઠક હતી, જે દિલ્હીથી ખરીદેલાં બે સ્ટેન્ડનો ઉપયોગ કરીને બનાવેલી. છેક જમણે ખૂણે દેખાતી પિત્તળની પાઈપ પર સિરામીકનો એક સુંદર વાઝ રહેતો, જેમાં તેમણે છોડ ઉગાડેલો. પિત્તળની હોય એવી પાઈપ હકીકતમાં સાદી સિમેન્ટની પાઇપ છે જેની ઉપર સોનેરી રંગનો કાગળ એટલી સફાઈથી લગાડ્યો છે કે ખ્યાલ જ ન આવે. ઘણા વખત સુધી અમે માનતા રહ્યા કે એ  ભારેખમ પિત્તળની પાઈપ હશે. એટલે એક વાર કહે- 'એને જરા ઉઠાવી જુઓ ને!' પાઈપ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો તો સાવ હલકીફુલકી! 


଴ 

ઉપર વર્ણવેલી બેઠકની ઉપર પડતી બારી પર ટીંગાડેલું આ ડ્રીફ્ટવુડ બહુ વિશિષ્ટ આકારનું છે. ઉંધી હથેળી રાખીને પાંચેય આંગળીઓ ભેગી થતી હોય એવું લાગતું આ લાકડું વનપીસ છે. તેની વચ્ચેની જગામાં મૂકેલા સિરામીકના મગમાં એ પેન- પેન્સિલો મૂકી રાખતાં. 


଴ 


રૂમમાં સામેની બાજુએ પલંગ (ઢોલિયો) પાસે પડતી બારી પર બે ફ્રેમ જોવા મળે. ઉપરાંત દૃષ્ટિપૂર્વક ગોઠવાયેલાં થોડાં ફૂલછોડ પણ ખરા. એમને ડ્રીફ્ટવુડનો ગજબનો શોખ હતો, જેનો ચસકો અમને પણ લાગ્યો. અમે ફરવા જઈએ ત્યારે અમારી નજર વિવિધ આકારવાળા પથ્થરો અને લાકડાં જ શોધતી હોય. ક્યારેક અમે એવું કંઈક લાવીએ અને એમને બતાવીએ એટલે રાજી પણ થાય અને કહે, 'મજેનું છે.' બસ, આ અમારું સર્ટિફીકેટ! આ બારી કેટલી પિક્ચર પરફેક્ટ છે! ઉપર છાજલી પરથી ડોકિયું કરતો ડ્રીફ્ટવુડનો ટુકડો તેમણે ઇકેબાના માટે વાપર્યો હતો.
બારીની અંદર દેખાતી બીજી બારી રસોડાની છે અને તેમાં દેખાતું છાયાચિત્ર રસોડામાં ઉભેલાં હોમાયબેનનું છે.


଴ 

આ મટકાને તેમણે જાતે જ હેક્સો વડે કાપીને બહારથી સફેદ અને અંદરથી લીલા રંગે રંગ્યું હતું. તેમણે તૈયાર કરેલા ઇકેબાનાનું શિર્ષક હતું 'શેટર્ડ ડ્રીમ'. આ વિષયને અનુરૂપ ચીજોની સાથે તેમણે ફૂલોની ગોઠવણી કરી હતી. 


଴  સાવ સાદા લોખંડના ત્રણ પાયાવાળા સ્ટેન્ડ પર ગોઠવેલી લાકડાના થડની સ્લાઇસ પર તેમના કુટુંબના બે ફોટા હતા. આગળ મૂકાયેલો ફોટો હોમાયબેન અને તેમના દીકરા ફારૂકનો છે જ્યારે પાછળનો ફોટો તેમના પતિ માણેકશાની સાથે ઉભેલા ફારૂકનો છે. બન્ને ફોટાની વચ્ચે ગોઠવેલું ડ્રીફ્ટવુડ એક સંપૂર્ણ,  સાદું પણ કલાદૃષ્ટિવાળું સંયોજન બનાવે છે!
 અગાઉ જણાવ્યું એમ પોતાની જરૂરતની ચીજો એ જાતે બનાવી લેતાં. ખુરશી પર બેસીને ટી.વી. જોતી વખતે રીમોટ કન્ટ્રોલ શોધવાની મુશ્કેલી ન પડે એટલે જૂના લેમ્પની લોખંડની જાળીનો ઉપયોગ તેમણે રીમોટ કન્ટ્રોલ મૂકવાની બાસ્કેટ તરીકે કર્યો. એ નીચે ન પડી જાય એટલે એના જ માપનો ગ્લેઝ્ડ ટાઇલ્સનો ટુકડો તળિયે ગોઠવ્યો. અને આ આખું ફીટીંગ ખુરશીની બેઠકની પાઇપ સાથે ફીટ કર્યું.ખુરશીના હાથા સાથે નહીં, પણ બેઠક સાથે ફીટ કરવાનું કારણ એ કે હાથને ઉંચો ન લઈ જવો પડે અને બેઠે બેઠે જ રીમોટ હાથમાં આવી જાય. 


଴ 

કપડાંને ઇસ્ત્રી કરવા માટે આવું પાટીયું તૈયાર જ હતું, પણ તેમણે એ પાટિયાને એ રીતે ગોઠવેલું કે એ બંધ થઈ શકે. કેમ કે આ પાટિયું મુખ્ય રૂમમાંથી રસોડામાં જવાના પેસેજમાં હતું. પાટિયાની સાથે જ ઇસ્ત્રી (વાયર  સહિત) મૂકી શકાય એવું ખાનું બનાવવાથી ઇસ્ત્રી પણ શોધવા ન જવું પડે. 


଴ 

જાડા એલ્યુમિનિયમના તાર એમ જ પડી રહ્યા હોય તો વાળીને એનું હેન્ગર બનાવી દેવાનું જે એકદમ મજબૂત છતાં બનાવટમાં સાદું હોય.


଴ 

આ બારી પાસેની ખુરશી પર તેમની કાયમી બેઠક (એમના શબ્દોમાં 'તખત') હોય. આ બારીને એ પોતાની 'વિન્ડો ટુ ધ વર્લ્ડ' કહેતાં. અહીં પોતાને કામની દરેક ચીજો હાથવગી મૂકાયેલી હોય. સાથે પડેલી લાકડી તેમની જેમ જ સાદી, છતાં મજબૂત હતી. ક્યારેક અમે કશી શરારત કરીએ ત્યારે એ આંખો કાઢીને લાકડી દેખાડતાં. પરેશ પ્રજાપતિ ગયે વરસે ટ્રેકીંગમાં ગયો ત્યારે એક દેવદારની એક મજબૂત ડાળખી હોમાયબેન માટે લેતો આવ્યો હતો. લીસી પાતળી અને મજબૂત આ ડાળખી એવનને ગમી ગઈ હતી અને એમણે એ રાખી લીધી હતી. 


આવી અનેક વાતો, વસ્તુઓ, અભિગમમાં એમની ચેતના જીવંત છે.  તેમની પાસેથી જોવા-જાણવા-શીખવા -અનુભવવા મળેલી આવી અનેક વિશિષ્ટ બાબતોને ભૂલી શી રીતે શકાય? 

Sunday, January 15, 2012

હોમાય વ્યારાવાલાની વિદાય: ગ્રીષ્મનું છેલ્લું ગુલાબ

હોમાય વ્યારાવાલા 

૯/૧૨/૧૯૧૩ થી ૧૫/૧/૨૦૧૨

            એમની ચીરવિદાયનો શોક ન જ હોય, બલ્કે એ સુખરૂપ, તેમની ઈચ્છા મુજબ ગયાં, છતાંય એક મજબૂત મિત્ર ગુમાવ્યાનું દુ:ખ થાય એ સ્વાભાવિક છે. તેથી જ એક આંખમાં તેમની વિદાયથી પડેલી અંગત ખોટને કારણે બાઝતી ભિનાશ અને તેમની સાથે ગાળેલી ક્ષણોની સ્મૃતિઓને લીધે અનાયાસે હોઠ પર આવી જતા સ્મિતની મિશ્ર લાગણીઓ સાથે આ પોસ્ટ લખી રહ્યો છું.
          હોમાય વ્યારાવાલા/ Homai Vyarawalla ભારતનાં સૌ પ્રથમ મહિલા ન્યુઝ ફોટોગ્રાફર હોવાનું બહુમાન ધરાવતાં હતાં, પણ તેમની ઓળખને આટલા પરિચયમાં સમાવી ન શકાય. ફોટોગ્રાફી છોડ્યાને આશરે ચાર દાયકા થયા હતા, જેમાં અનેક અંગત કારૂણીઓ તેમના જીવનમાં આવી. છતાં તમામ આઘાત, આપત્તિઓ સામે ઝઝૂમીને એક જાંબાઝ યોદ્ધાની જેમ તે ઝઝૂમતાં રહ્યાં. એટલું જ નહીં, જરાય કડવા, લાચાર કે બિચારાં થયા વિના સ્વમાન અને ખુમારીથી જીવનરસથી ભરપૂર જિંદગી જીવતાં રહ્યાં. હજી ગયા મહિને નવમી ડિસેમ્બર, ૨૦૧૧ના દિવસે તેમણે ૯૮ વરસ પૂરાં કરીને નવ્વાણુમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેમના એ છેલ્લા જન્મદિનની આગલી સાંજે મળવા ગયા ત્યારે તેમણે લાંબુ નહીં, પણ સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવવાની વાત કરી હતી. (એ પોસ્ટ અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે. http://birenkothari.blogspot.com/2011/12/blog-post_09.html)
થોમસ મૂર/ Thomas Moor ની પ્રસિદ્ધ કવિતા ધ લાસ્ટ રોઝ ઑફ સમર’/ The last rose of summer તેમને અતિ પસંદ હતી. તેમને લાગતું હતું કે આ કવિતામાં તેમની પોતાની જ વાત છે. પહેલાં તો તેમણે આ કવિતા અમને સંભળાવી, જે અહીં જોઈ શકાશે.પછી મેં વિનંતી કરતાં તેમણે પોતાના હસ્તાક્ષરમાં એ લખી આપી. મિત્રો સુધાબેન મહેતા અને ઋતુલ જોષીએ રસ લઈને આ કવિતાનો અનુવાદ કરવામાં મદદ કરી, જેનો ફક્ત શબ્દાનુવાદ અહીં મૂકું છું.

ગ્રીષ્મનું છેલ્લું ગુલાબ, રહી ગયું અટૂલું,
સઘળા સાથી સુંદર, કરમાયા ને ખરી ગયા, 
કોઈ તેની આસપાસમાં નથી તેના જેવું,
નજરે પડતી નથી કોઈ ગુલાબની કળી,
તેના સુખે મલકી ઉઠે ને,
દુ:ખે તેના ભરે નિસાસો,
ભલે નિરધાર્યું વિધાતાએ જવાનું,
છોડીશ નહીં એકલું તને, છોડ પર અટૂલું,
સાથી તારાં પોઢ્યાં જ્યાં, જઈને પોઢી જા તું પણ.

તેમની સાથેનો દસેક વરસનો ગાઢ અને અંતરંગ સંબંધ જીવનભરના સંભારણા તરીકે યાદ રહેશે અને તેમના થકી જે શીખવા મળ્યું છે, તેની તો વાત જ શી કરવી! એ બધી વાતો ધીમે ધીમે બ્લોગ પર મૂકતો રહીશ. દરમ્યાન ઉર્વીશના બ્લોગ પર તેણે લખેલી અનેક પોસ્ટમાંથી હોમાયબેનના કર્તૃત્વ તેમજ વ્યક્તિત્વ વિષે અહીં ક્લીક કરવાથી વધુ જાણી શકાશે  (.http://urvishkothari-gujarati.blogspot.com/search/label/homai%20vyarawala ) 
        બારમી જાન્યુઆરી, ૨૦૧૨ની સવારે તે પોતાના ઘરમાં જ પડી ગયાં હતાં અને એ સાંજે તેમને દવાખાનામાં દાખલ કરાયાં. તેમને થાપાના ફ્રેક્ચરનું નિદાન થયું. જો કે, ઓર્થોપેડીક સર્જને જણાવ્યું કે તેમને પહેલી જરૂર ફીઝીશીયનની સારવારની છે. ત્યાર પછી ફીઝીશીયનને ત્યાં તેમને ખસેડવામાં આવ્યાં, ત્યારે મિત્ર પરેશ પ્રજાપતિ તેમની સાથે હતો. સવારે પરેશ સાથે મારે વાત થઈ ત્યારે પરેશે જણાવ્યું કે હોમાયબેનને શ્વાસ લેવાની ઘણી તકલીફ પડી રહી છે અને હાલત ચિંતાજનક કહી શકાય એવી છે. જો કે, બે-ત્રણ કલાક પછી તેણે જણાવ્યું કે પરિસ્થિતિ હવે ઘણી સારી છે. ૯૮ વરસની ઉંમરની બીજી કોઈ વ્યક્તિ હોત તો આશા છોડી દીધી હોત, પણ આ તો એક અને માત્ર એક એવાં હોમાય વ્યારાવાલા હતાં. મૃત્યુના મુખેથી એ પાછાં આવે તો અમને જરાય નવાઈ ન લાગે! તેમના જીવન વિષેનું પુસ્તક લખનાર સબિના ગડીહોક પણ દિલ્હીથી આવી ગયાં. આ સમય દરમ્યાન પરેશ અને શ્રીમતી હવેવાલા હોમાયબેનની સાથે હતાં.
          જો કે, અંદરખાનેથી અમને સૌને થતું હતું કે.......! કેમ કે, થાપાના ફ્રેક્ચરને લઈને તેમનું હલનચલન મર્યાદિત બને એ નક્કી હતું. આજે ૧૫મી જાન્યુઆરીએ લગભગ બાર-સવા બારે સબિનાએ મને ફોનમાં કહ્યું, શી હેઝ જસ્ટ પાસ્ડ અવે. એ બે-ત્રણ સેકંડમાં છેલ્લા દસ વરસમાં તેમની સાથે ગાળેલા સમયની કેટલીય ફ્રેમો ધડધડાટ કરતી ફરી ગઈ. મન હજી માનવા તૈયાર નહોતું અને છતાં વાસ્તવિકતા એ વાસ્તવિકતા હતી. અડધો કલાકમાં અમે ત્રણ- ઉર્વીશ, કામિની અને હું વડોદરા આવવા નીકળ્યાં. રસ્તામાં મિત્રોના ફોન-સંદેશાઓ આવતા રહ્યા.
         તેમને ઘેર પહોંચ્યા એ પછી થોડા જ સમયમાં તેમના મૃતદેહને હોસ્પીટલમાંથી લાવવામાં આવ્યો. પ્રેસના માણસો પણ ઘર આગળ એકઠા થયેલા હતા. હોસ્પીટલમાંથી પરેશ અને સબિના તેમની સાથે આવ્યાં હતાં. ત્યાં હાજર હતાં એમાંથી મોટા ભાગના લોકો એવા હતા કે જે એકબીજાને પહેલી વાર મળતા હતા, છતાં એકબીજાથી પરિચીત હતા. ઓળખવાળા નિમિષાબેન, શ્રીમતી જયશ્રીબેન મિશ્રા, કલાકાર ગાર્ગીબેન, છેલ્લે છેલ્લે હોમાયબેનને ઘેર કામ કરતાં ડાહીબેન વગેરે સૌ હોમાયબેન સાથે ગાઢ રીતે સંકળાયેલાં, પણ એકબીજાને કદી મળ્યા ન હતા. કેમ કે, સૌ પોતાની અનૂકુળતા મુજબ તેમને મળવા જાય ત્યારે હોમાયબેન સાથે વાતો થાય એમાં બાકીનાની હાજરી હોય જ. એ જ રીતે વડોદરાનાં મેયર ડૉ. જ્યોતિબેન પંડ્યા આવ્યાં ત્યારે એ હોદ્દાની રૂએ નહીં, પણ એક સ્વજનની જેમ મળવા આવ્યાં હતાં, અને અત્યંત સૌજન્યપૂર્વક તેમણે આવતી કાલે યોજાનારી તેમની અંતિમ વિધિની ગોઠવણ કરવામાં રસ લીધો.
       હોમાયબેન પોતાના દેહને અગ્નિદાહ અપાય એમ ઈચ્છતાં હતાં. પારસી પરંપરા મુજબ થતી અંતિમ વિધી માટે તેમનું એમ કહેવું હતું કે – હવે ગીધોની સંખ્યા તદ્દન ઘટી ગઈ છે અને પોતે નથી ઈચ્છતાં કે તેમનો દેહ એમ જ દિવસો લગી પડ્યો રહે.
          તેમની ઈચ્છાને માન આપીને આવતી કાલે ૧૬મી જાન્યુઆરી, ૨૦૧૨ને સોમવારના દિવસે સવારે દસેક વાગે વડોદરાના કારેલીબાગ સ્થિત બહુચરાજી સ્મશાનગૃહમાં (ગેસની ચિતા પર) તેમના મૃતદેહને અગ્નિને હવાલે કરવામાં આવશે.

તેમની સાથે ગાળેલી થોડી અંગત પારિવારિક ક્ષણોની તસવીરોની એક ઝલક.

ડાલ્ડા-૧૩ તરીકે ઓળખાતી તેમની ફિયાટ કાર સાથે હોમાયબેન પોતાના સરંજામ સાથે.

 

ત્યાર પછી ડાલ્ડા-૧૩નું રૂપાંતર જીજે-૬, એ-૧૨૪૯માં થયું, પણ તેમનો સાથ ચાલુ રહ્યો. એ દિવસોમાં લીધેલી એક તસવીર.


મારા ઘેર એક વખત તે બે-ત્રણ દિવસ માટે રહેવા આવ્યાં હતાં. તેમનું એ રોકાણ મારા પરિવારજનો જીવનભરની મૂડીસમાન બની રહ્યું છે. ઈન્ટરનેટ, કમ્પ્યુટર, ઈ-મેલ, વેબસાઈટ વગેરે વિષે તેમણે જિજ્ઞાસાપૂર્વક પૂછપરછ કરી હતી. ઈન્ટરનેટ પર તેમના પોતાના વિષેનું એક પેજ વાંચતાં હોમાયબેન.


અમે એમને કહ્યું કે અમારે ઈકેબાના શીખવું છે, પણ જરૂરી ફૂલો ક્યાંથી લાવવાં? ત્યારે તેમણે મારા બોન્સાઈ ગાર્ડનના અમુક વૃક્ષોનાં પાંદડા તેમજ અન્ય ચીજવસ્તુઓ જાતે પસંદ કરીને તેની ગોઠવણી કરી બતાવી હતી અને કહ્યું કે- ઢગલાબંધ ફૂલોથી જ ઈકેબાના થાય એવું નથી. તમારી પાસે જે હોય એમાંથી કલાત્મક ગોઠવણી કરો એ જ ખરું.


તેમની હાસ્યવૃત્તિ વિશિષ્ટ પ્રકારની. મજાકમસ્તી બહુ સહજ. તેમને પદ્મવિભૂષણ મળ્યાની ઘોષણા કરવામાં આવી એ પછી અમે તેમને મળવા ગયાં. એ જ વખતે કોઈક તેમને બુકે આપી ગયેલું. એ બુકે તેમણે પ્રેમપૂર્વક કામિનીને આપ્યો. મેં હમેશ મુજબ ગમ્મતમાં કહ્યું, એવું ન ચાલે. કામિની તો અહીં મારી સાથે આવી છે. એટલે ખરો હકદાર હું ગણાઉં. તમારે મને કંઈક આપવું જોઈએ. એટલે બાજુમાં પડેલી મીઠાની બરણી તેમણે ઉપાડી અને કોઈ મોટો એવોર્ડ આપતાં હોય એમ મને અર્પણ કરી. મેં કહ્યું, એમ નહીં, રાષ્ટ્રપતિ મને પદ્મવિભૂષણ આપતા હોય એ રીતે આ આપો અને હું એ સ્વીકારતો હોઉં એવો ફોટો પડાવીએ. અમારો ઈરાદો એ સમારંભમાં હોવી જોઈએ ગંભીર મુખમુદ્રા સાથે ફોટો પડાવવાનો હતો, પણ હસવું કેમેય કરીને રોકાતું નહોતું.


બે એક વરસ અગાઉ તેમને આઠ-દસ દિવસ માટે હોસ્પીટલમાં દાખલ કરવાં પડેલાં. સાજાં થઈને ઘેર આવ્યાં એ દિવસે તેમના વિસ્તૃત પરિવારના સભ્યો એવા અમે સૌએ સાથે આ ફોટો પડાવેલો.

(પાછળ- ડાબેથી) સબિના ગડીહોક, પરેશ અને પ્રતિક્ષા પ્રજાપતિ, ઇશાન કોઠારી
(બેઠેલાં- ડાબેથી) મલક પ્રજાપતિ, બીરેન કોઠારી, હોમાયબેન, કામિની કોઠારી

આ ખુરશી એટલે તેમની કાયમી બેઠક, જેના માટે એ કહેતાં, 'આંય મારું તખત છે.'  


તેમના પાડોશી શ્રીમતી મિશ્રાના એક સંબંધી દેવરિયા (ઉ.પ્ર.) ના રાબી શુક્લાએ પાડેલો આ ફોટો તેમને બહુ પસંદ હતો. તેમની ઈચ્છા એવી હતી કે પોતાના મૃત્યુની જાણ મિત્રો કે સ્નેહીઓને આ તસવીરની સાથે ધ લાસ્ટ રોઝ ઑફ સમર કવિતા મોકલીને કરવામાં આવે. આ તસવીર અને તેની સાથે તેમના જ હસ્તાક્ષરમાં લખેલી કવિતા અહીં મૂકી છે. 
પણ લાગે છે કે એ ક્યાં મૃત્યુ પામ્યાં છે? એ મૃત્યુ પામી શકે ખરાંમનમાં તો તેમનું સ્થાન સદાય જીવંત જ રહેવાનું. 

Saturday, January 14, 2012

વિનોદ ભટ્ટ: હાસ્યનું અમૃત પીવડાવનાર હાસ્યલેખકનો અમૃતપ્રવેશ

-   બિનીત મોદી  (જેમના લખાણો વાંચીને અમારા જેવા અનેકોની હાસ્યરૂચી કેળવાઈ હશે એવા હાસ્યલેખક વિનોદ ભટ્ટ આજે ઉત્તરાયણના દિવસે પંચોતેરમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. અજાણ્યા વાચક્માંથી વિનોદભાઈનો અંગત સ્નેહી બની રહેલો મિત્ર બિનીત મોદી આ લેખક સાથેના પોતાના સંબંધની સફર વર્ણવે છે. આ વાત ભલે બિનીતની હોય, અમારા જેવા અનેકોને તેમાં પોતાની લાગણીનું પ્રતિબિંબ દેખાશે.)


શાળાના દિવસોમાં ઈતરવાંચનનો કેળવાયેલો શોખ આગળ કોલેજમાં પણ ચાલુ રહેલો. કોલેજમાં લીધેલા વૈકલ્પિક વિષયને કારણે મળતા ફાજલ સમયમાં ફરજિયાત લાઈબ્રેરીનાં પગથિયાં ઘસવાં પડતાં. પણ બહુ ઓછા વિદ્યાર્થીઓ આ વિકલ્પ અપનાવતા અને લાઈબ્રેરીમાં આવતા. આને કારણે લાઈબ્રેરીઅન હર્ષાબહેન નાન્દી (સંસ્કૃતના જાણીતા પ્રાધ્યાપક સ્વ. તપસ્વી નાન્દીનાં પત્ની) પુસ્તકોનાં કબાટના બારણા ખુલ્લા જ રાખતાં. છાપાં-મેગેઝિનોની લેવડ-દેવડનો તો કશો હિસાબ હોય જ નહીં ! આ પરિસ્થિતિ મને ફાવતી જડી ગઈ હતી. કોઈ રોક-ટોક વગર ભણવાની સાથે-સાથે ઇતરવાંચન પણ ભરપૂર થતું.

ઇદમ તૃતીયમ 
અગાઉ છાપામાં રવિવારની પૂર્તિઓ વાંચવાનું બનતું, તેને કારણે વિનોદ ભટ્ટ/Vinod Bhatt નું  નામ મનમાં નોંધાયેલું ખરું,પણ તેમની ખરી ઓળખ થઈ આ વરસોમાં. સંદેશની તેમની નિયમિત રવિવારીય કોલમ ઇદમ્ તૃતીયમહવે વધુ રસપૂર્વક વંચાતી, ઉપરાંત નવચેતનકે ગુજરાત જેવાં સામયિકોમાં આવતા તેમના લેખોનો પણ લાભ મળતો. તેમનાં પુસ્તકોય હાથમાં આવ્યાં અને એ વાંચ્યા એટલે તેમના હાસ્યલેખનની મનમાં બરાબર ઓળખ ઉપસી. તેમની શૈલી, હાસ્ય વગેરે ગમતું હતું અને અનાયાસે હાસ્યની સમજ કેળવાતી જતી હતી. (એક ઈન્ટરવ્યૂમાં એમણે કહેલું, મને સિંહ કરતાં કૂતરાની બીક વધુ લાગે છે. કેમ કે, સિંહ કરડે પછી આપણે કશું કરવાનું હોતું નથી.)


 તેમનાં લખાણો થકી અનેક નવાં નામોનો પરિચય પણ થતો જતો હતો. સઆદત હસન મંટો/Saadat Hasan Manto નું નામ પહેલવહેલી વાર તેમની કોલમમાં જ વાંચ્યું હોવાનું યાદ છે, તો દલિપ કૌર ટીવાણા/ Dalip Kaur Tiwana અને અજિત કૌર/ Ajit Kaur નાં નામો તેમજ તેમનાં પુસ્તકો વિષે પણ ઈદમ તૃતીયમમાં જ પહેલી વાર વાંચ્યું હતું. તેમણે લખેલી વિનોદની નજરેમાટે મારો આજેય એવો અભિપ્રાય છે કે ફક્ત આ એક જ પુસ્તક તેમણે લખ્યું હોત તો પણ હાસ્યલેખનમાં તેમનું સ્થાન આવું જ અગ્રણી હોત.


 એ રીતે હાસ્યસૂઝ ખીલવાની સાથેસાથે જ્ઞાનની ક્ષિતિજો પણ ઈદમ તૃતીયમ થકી વિસ્તરતી જતી હતી. આમ, પરોક્ષ પરિચય સારો એવો થઈ ગયેલો, છતાં તેમને રૂબરૂ મળવાનો વિચાર આવેલો નહીં. પણ એક વાર મોટે ભાગે ગુજરાતનો કે નવચેતનનો દિવાળી અંક વાંચતા લેખને અંતે છપાયેલું તેમનું સરનામું જોવા મળ્યું. સરનામું જોયું એટલે થયું કે એમને ઘેર ફોન તો હશે જ. ફોન નંબર શોધવા માટે હાથવગી હતી અમદાવાદ શહેરની ટેલિફોન ડિરેક્ટરી. એમાંબીનાં પાના પર જઈને ભટ્ટ વિનોદનું નામ શોધી કાઢ્યું. ડિરેક્ટરીમાં આપેલા સરનામા સાથે મારી પાસે હતું એ સરનામું સરખાવી જોયું અને ઝાઝો વિચાર કર્યા વિના લગાડ્યો ફોન.

નિર્ભેળ હાસ્ય 
ખરેખર તો એ વખતે વાચક તેના ગમતા લેખકને પત્ર લખી પ્રતિભાવ પાઠવે એ પ્રથમ સંપર્કનો સામાન્ય શિરસ્તો હતો. બીજે ક્યાંક રહેતો હોત તો મેં પણ એમ જ કર્યું હોત. પણ અમદાવાદમાં રહેતો હોવાના કારણે ફોન કરવાનો વિકલ્પ યાદ આવ્યો અને એને પસંદ કર્યો. સામે છેડે વિનોદભાઈ હતા. મેં તેમના લખાણ અંગે સામાન્ય વાત કરી,તેમના પૂછવાથી મારો પરિચય આપ્યો. જો કે, એવું લાગ્યું કે સાવ ઔપચારિક પૃચ્છા કરવાને બદલે વિનોદભાઈએ ઉમળકાભેર મને બધું પૂછ્યું હતું. થોડી વાતચીત પછી મેં સ્વાભાવિક ક્રમમાં રૂબરૂ મળવાની ઇચ્છા દર્શાવી. ફોનની આટલી વાતચીતમાં મારું રહેવાનું નારણપુરા છે અને પુસ્તકો માટે હું અવારનવાર ગાંધી રોડ આવું છું એટલું તેમણે જાણી લીધેલું, એટલે જરાય ખચકાટ વિના તેમણે મને મળવા આવવાનું આમંત્રણ આપી દીધા પછી જણાવ્યું કે તેમની ઑફિસ ગાંધી રોડથી નજીક હોવાથી ઑફિસે મળવું અનૂકુળ રહેશે. તો દોસ્ત આવી જાઓ એમ કહીને એમણે ઓફિસનું સરનામું પણ લખાવ્યું:‘પનાલાલ, ભટ્ટ એન્ડ કંપની, ખાડિયા ચાર રસ્તા.’ તેમની ઑફિસનો ફોન નંબર લેવાનું મને સૂઝ્યું નહીં. તેમને એ આપવાનું જરૂરી પણ ન લાગ્યું.
બહુ ઝડપથી એક દિવસ તેમને મળવા ઑફિસે પહોંચી જ ગયો. ખાડિયા ચાર રસ્તા પર એક અંધારી ખડકીની અંદર પ્રવેશીએ એટલે પહેલા માળે ઓફિસ તરીકે ઓળખાતી જગા. ચારેક લોકો ત્યાં બેઠા બેઠા કામ કરે અને બે કે ત્રણ નાની કેબિન. હજુ તો આ માહોલથી પરિચીત થયો ન થયો અને વિનોદ ભટ્ટનું  નામ બોલ્યો કે મને એક કેબિન તરફ આંગળી ચીંધવામાં આવી. કાં એ ભાઈ અતિશય વ્યસ્ત હશે, કાં મારા જેવા ઘણા વિનોદભાઈને મળવા ઑફિસે આવી ચડતા હશે. જો કે,આજે વિચારતાં લાગે છે કે બીજો વિકલ્પ લાગુ પડે એ શક્યતા વધુ હશે.
એમની કેબિનમાં મેં પ્રવેશ કર્યો અને ઓળખ આપી. વિનોદભાઈએ બહુ ઉમળકાથી મને આવકાર્યો. આ ક્ષણનો રોમાંચ મારા મનમાં એ હદે અકબંધ રહ્યો છે કે આજે 2012માં તેમની ઓફિસ એ જગાએ નથી રહી, એ જગાની સિકલ ફરી ગઈ છે, છતાં આજે વીસ વર્ષ પછીય એ તરફ જવાનું બને ત્યારે વિનોદભાઈ સાથેની એ પહેલી રૂ-બ-રૂ મુલાકાતનો રોમાંચ-ઉમળકો જેમનો તેમ અનુભવી શકું છું. તેમણે લાગણીપૂર્વક પૂછ્યું,‘ઓફિસની જગ્યા શોધવી પડી?’ મેં કહ્યું,‘આ જગ્યાએ અગાઉ હું સાઇકલ ખરીદવા આવી ગયો છું, એટલે વિસ્તાર જાણીતો હતો. વિનોદભાઈએ કહ્યું,‘ફરી ખરીદવાની થાય તો મને જોડે લઈ જજો. હું ડિસ્કાઉન્ટ અપાવીશ. આજે પણ જેમનું તેમ છે એ ખાડિયા ચાર રસ્તા – પાનકોરનાકાનું સાઇકલ બજાર આખેઆખું એમનું ઓફિસપાડોશી હતું. આ સિવાય પણ થોડીઘણી વાતો થઈ હશે, ચા-પાણી થયાં હશે, પણ એ બધું ખાસ યાદ નથી. થોડી વાર બેઠા પછી હું જવા માટે ઉભો થયો. હાથ મિલાવ્યા. તેમણે ટેબલનું ખાનું ખેંચ્યું. એમાંથી એક પુસ્તક કાઢ્યું અને મારા હાથમાં મૂક્યું. એ પુસ્તક હતું વિનોદવિમર્શ. મને કહે, ‘પ્રકાશકને ત્યાંથી આજે જ આવ્યું છે. આમાં હાસ્યલેખો નથી પણ હાસ્યના વિવિધ સ્વરૂપોની મીમાંસા છે. ગુજરાતી ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓના અને વિશ્વના હાસ્ય સાહિત્યના સંદર્ભો છે. આટલું બોલીને સહેજ અટક્યા અને તેમની અસલ વિનોદબ્રાન્ડ હ્યુમરનો પરચો આપતાં બોલ્યા,‘મારા સિવાય બીજા કોને-કોને વાંચવા એ પણ તમે નક્કી કરી શકશો. હું હજી કંઈ કહું એ પહેલાં તેમણે કહ્યું,‘આપણે પહેલીવાર રૂ-બ-રૂ મળ્યા,એ નિમિત્તે મારા તરફથી ભેટ. બહુ નિખાલસતાપૂર્વક તેમણે એમ પણ ઉમેર્યું,‘મારું હાસ્યસાહિત્ય વાંચનારા અનેક લોકો હશે,પણ ખાસ અભ્યાસ કરીને ખંતપૂર્વક તૈયાર કરેલું આ પુસ્તક વાંચવામાં કોઈને ભાગ્યે જ રસ પડશે. એટલે તમે ખાસ વાંચજો અને પછી કહેજો કે કેવું થયું છે.તેમના આવા અભ્યાસપૂર્ણ પુસ્તક વિશે કશો અભિપ્રાય આપવાનું મારું ગજું ત્યારેય નહોતું અને આજેય નથી. હા, એટલું મને સમજાયું કે આંગણે મળવા આવેલા વાચકને ઊંચા આસને બેસાડવાની એ તેમની ગરવી ચેષ્ટા હતી.

જગન મહેતાએ લીધેલી તસવીર 
આ પહેલી મુલાકાત પછી અમારો સંપર્ક ચાલુ રહ્યો. હું તેમને ફોન કરતો, તો ક્યારેક ઓફિસે પણ જઈને મળતો. બન્ને એક જ શહેરમાં રહેતા હોવાના કારણે મારે તેમને પત્ર લખવાનું કદી ન બન્યું. કદાચ પત્રમાં હું તેમના લખાણ વિષે, મારા ઘડતરમાં તેમના અંશત: પ્રદાન વિષે લખી શક્યો હોત, જે રૂ-બ-રૂ મુલાકાતમાં કહી શકાય એવો મોકો ભાગ્યે જ મળે. એ બાબતનો મને બહુ રંજ રહેતો. એટલે નક્કી કર્યું કે મારા આ પ્રિય હાસ્યલેખકને પત્ર તો લખવો જ. ભલે ને અમારે રૂ-બ-રૂ મળવાનું બનતું હોય! એક વખત તેમના તાજા લેખ વિષે પ્રતિભાવ આપતો પત્ર મેં લખીને તૈયાર કર્યો અને એ જ દિવસે તેમની સાથેની મુલાકાતનો યોગ ગોઠવાઈ ગયો. છતાં પત્ર તેમને હાથોહાથ આપવાને બદલે પોસ્ટ જ કર્યો. પછી મળ્યા ત્યારે મેં આ વાત તેમને કરી.  એટલે તેમણે સાહજિકતાથી કહ્યું,ચાલે યાર. ફોનથી કે રૂબરૂ મળીએ ત્યારે વાત થાય જ છે ને!પછી ઉમેર્યું,‘મારે તો ઘરમાંને ઘરમાં જ પત્ર લખવા પડતા હતા. પિતાજીનો માર ન ખાવો પડે એટલે જાતે પત્ર લખીને કામ ચલાવતો.’ 


વિનોદભાઈને મળું ત્યારે મારા મનમાં કશો ભાર ન હોય, તેમ એ પણ એવું લાગવા ન દે. અમારી ઉંમરમાં એક પેઢી જેટલો ફરક, છતાં તે મિત્રની જેમ જ વર્તે. વાચક કેવળ તેમનો જ વાચક કે પ્રશંસક બની રહે એવું એ ન ઈચ્છતા, બલ્કે વાંચનની વિશાળ સૃષ્ટિથી તે પરિચીત થાય એમ ઈચ્છતા. એટલે અમે મળીએ ત્યારે સાહિત્ય અને સાહિત્યકારો વિષે પણ અનાયાસે જ ચર્ચા નીકળતી. એવી જ વાતચીત દરમ્યાન મેં એક વાર કહ્યું,તમારી જેમ જ જેમની સાથે ફોનસંપર્ક છે અને જેમની વાર્તાઓનો હું ચાહક છું એ રજનીકુમાર પંડ્યાને મારે મળવું છે.તરત જ વિનોદભાઈ બોલી ઉઠ્યા,‘જરૂર મળો. એ દાદુ વાર્તાકાર છે. તમે મળશો તો એ બહુ રાજી થશે. પ્રેમાળ માણસ છે. એનું સરનામું-ફોન નંબર છે ને? લાવો હું ફોન પણ કરી દઉં.' હું કંઈ વિચારું એ અગાઉ તેમણે ફોન લગાડ્યો અને રજનીકુમારને મારો પરિચય આપ્યો એટલે રજનીભાઈએ કહ્યું, ‘હા, એના ફોન આવે છે. એ ચોક્કસ મળવા આવે. મને ગમશે. તેમની આ ચેષ્ટા બદલ  આભાર માનું એવી ઔપચારિકતા હવે અમારી વચ્ચે રહી નહોતી. એ દિવસે છૂટા પડતાં તેમણે મને અતિ મહત્વની ટીપ આપી. કહ્યું,‘એક કામ કરજે, દોસ્ત. તું એમને મળે તો એક વાચક લેખકને કરતો હોય એવું ઔપચારિક સંબોધન ન કરતો, તેને રજનીકાકા કહેજે.' પહેલાં તો મને લાગ્યું કે એ મજાક કરે છે, પણ તેમણે બહુ ગંભીરતાથી કહ્યું,’અને હા, તારે મને પણ હવેથી વિનોદકાકા જ કહેવાનું. એ ઠીક રહેશે. લાઈબ્રેરીમાં તેમનાં પુસ્તકો વાંચતી વખતે મને સપનેય ખ્યાલ નહોતો કે હાસ્યલેખક વિનોદ ભટ્ટનો હું આમસાહિત્યિક ભત્રીજો બનીશ. 
નમૂનારૂપ દામ્પત્યજીવન: અમે ત્રણ, અમારાં ત્રણ 
તેમની આ સલાહ હું શી રીતે અવગણું? આ એ જ લેખક છે, જેમણે પોતાનું પુસ્તક વિનોદવિમર્શ તેમની પત્નીને અર્પણ કરતાં લખ્યું છે- પ્રિય નલીનીને, જેની એક પણ સલાહ મેં અવગણી નથી, તેને પરણવાની સુદ્ધાં...’ [વડીલોની પસંદગીથી એ કૈલાસબેન સાથે પરણ્યા અને પછી નલિનીબેન સાથે પ્રેમમાં પડીને તેમની સાથેય લગ્ન કર્યા એ સંદર્ભે. તેમનો સહિયારો સંસાર નમૂનારૂપ હતો. પરિચયમાં વિનોદભાઈ કહેતા,અમે ત્રણ, અમારાં ત્રણ.]મારા આ લેખક જો પ્રિય પત્નીની સલાહને અવગણતા ન હોય, તો મારાથી આ પ્રિય લેખકની સલાહ શી રીતે અવગણી શકાય? એ પછી રજનીકુમાર પંડ્યા/ Rajnikumar Pandya ને મળવા ગયો ત્યારે તેમને સીધું રજનીકાકાનું જ સંબોધન કર્યું. એ જ ન્યાયે તેમને ત્યાં અવારનવાર મળતા જોસેફ મેકવાન/ Joseph Mackwan ને પણ જોસેફકાકા જ કહેતો. આમ, વિનોદકાકાની સલાહ મેં બરાબર પચાવી, અને તેનાં મીઠાં ફળ પણ મેળવ્યાં.
તેમની સાથે મુલાકાતો થતી રહી- અનિયમીતપણે નિયમીત. અનેક વિષયો છેડાતા- સાહિત્યના અને સાહિત્યેતર પણ. અને તદ્દન અનૌપચારિક ઢબે વાતો થતી. કોઈ મિત્રની સાથે ગપ્પાંગોષ્ઠિ કરીએ એ રીતે જ. આવી જ એક મુલાકાતમાં તેમણે મને માહિતી આપી,‘હવે તારે મને મળવા ખાડિયા સુધી લાંબા નહીં થવું પડે. આપણી ઓફિસ હવે નવરંગપુરા શિફ્ટ થાય છે.એમ કહીને તેમણે ફેરડીલ હાઉસ,સ્વસ્તિક ચાર રસ્તાના સરનામાવાળું પોતાની ઓફિસનું વિઝીટીંગ કાર્ડ મારા હાથમાં મૂક્યું, અને કહ્યું,‘મળતો રહેજે.મારા પક્ષે નાપાડવાનો સવાલ જ નહોતો.
દરમ્યાન મને સમાચાર મળ્યા કે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે. એ પછી હું તેમને મળવા નવી ઑફિસે ગયો ત્યારે તેમણે મને ચંદ્રકપ્રદાન સમારંભનું આમંત્રણકાર્ડ આપ્યું. અને કહ્યું,‘તું આવીશ તો ગમશે. આવો મોકો કંઈ ચૂકાય? નિયત દિવસે હું કાર્યક્રમના સ્થળે પહોંચી ગયો.
રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રદાન વખતે 
જે કોલેજમાં તેઓ ભણ્યા હતા એ એચ.કે.કોલેજ(જૂની રામાનંદ કોલેજ)ના સભાગૃહમાં જ ગુજરાતી સાહિત્યનું આ સર્વોચ્ચ સન્માન તેમને અર્પણ થવાનું હતું. તે બહુ રાજી દેખાતા હતા. અને કેમ ન હોય? એ સમારંભમાં તેમણે કરેલા પ્રવચનની વિગતો મને ખાસ યાદ નથી, પણ પહેલી હરોળની ખુરશીમાં પોતાનાં બાને બેઠેલાં જોઈને તેમણે રાજીપો વ્યક્ત કર્યો હતો, એ બરાબર યાદ છે. તેમ થોડા વર્ષ અગાઉ અવસાન પામેલા પિતા જસવંતલાલ ભટ્ટને યાદ કરી આ ક્ષણે એ હાજર નહીં હોવાનો વસવસો પ્રગટ કર્યો. આ આપણો વિનિયો સાવ કાઢી નાંખવા જેવો નથી એવી પિતાના મુખમાં મૂકેલી ઉક્તિ તેમણે આ પ્રસંગે જ પહેલી વાર કહી હતી. તેમના હાસ્યની આ જ ખૂબી મને ગમતી રહી છે. એક ક્ષણે એ ખડખડાટ હસાવે, અને બીજી જ ક્ષણે આંખ ભીની કરી દે. [મેડોના/ Madonna વિષેના એક લેખમાં તેમણે રમૂજપૂર્વક મેડોનાનો પરિચય આપીને હસાવ્યા હતા અને છેલ્લે લખેલું,રસ્તા પરની એક ભિખારણ જોઈ. એણે મેડોના જેટલાં જ કપડાં પહેર્યાં હતાં. બસ, એક જ વસ્ત્ર તેણે વધારાનું પહેરેલું. એ હતું લાચારીનું. ]
એ સમારંભના અન્ય વક્તાઓનાં વક્તવ્યો પૂરા થયા. સ્વાભાવિકપણે જ હૉલ બહાર અભિનંદન આપવા માટે તેમને મળનારાની ભીડ જામી. સગાં-સંબંધીઓ, મિત્રો,સાહિત્યકારોથી માંડીને વાચકો એમાં સામેલ હતા. મેં પણ તેમની નજીક જઈને અભિનંદન પાઠવ્યા ત્યારે એટલી ભીડમાંય એ પોતાના પરિવારજનોનો પરિચય મારી સાથે કરાવવાનું ચૂક્યા નહીં. આ પ્રસંગની યાદગીરીરૂપે કેમેરાની ચાંપો પણ દબાતી જતી હતી અને ફ્લેશના ઝબકારા પણ થયે જતા હતા. તેમને મળી લઈને હું થોડો પાછો ખસ્યો, તો વિનોદભાઈએ મને નજીક બોલાવ્યો અને મારા ખભે હાથ મૂકીને ફોટોગ્રાફરને કહે, ‘હવે પાડો ફોટો. 
રણજીતરામ સુવર્ણચન્દ્રક વખતે:  સન્માન એમનું, માન મારું
 (સૌથી ડાબે) બિનીત મોદી અને અન્ય ચાહકોની વચ્ચે વિનોદ ભટ્ટ 
પછી મને ઉદ્દેશીને બોલ્યા,‘યાર, યાદગીરી તો જોઇએને! ખરેખર તો આ વાક્ય મારે બોલવાનું હોય. પણ વિનોદભાઈએ પોતે ઉચ્ચાર્યું. મારા માટે આ કલ્પના બહારનું હતું. જરાય અતિશયોક્તિ વગર અને કાળક્રમે ગુજરાતી સાહિત્યજગતમાં રણજિતરામ સુવર્ણચંદ્રકનું મહત્વ જાણ્યા પછી આજે હું એમ કહી શકું કે આ ઘટનાનું મારે મન બહુ મહત્વ રહ્યું છે. જાણે કે મને પણ મારા પ્રિય લેખકની સાથે સન્માન મળતું ન હોય! ફરી વાર કહું કે વાચકને ઊંચા આસને બેસાડવાની આ તેમની ગરવાઈ હતી.
થોડા વરસ પછી તેમને ગંભીર બિમારી આવી. ડોક્ટરોએ પણ કેટલેક અંશે તેમના સાજા થવાની આશા છોડી દીધેલી. એવી ગંભીર ગણાયેલી અને લાંબી ચાલેલી તેમની માંદગી દરમિયાન ડોક્ટર તરફથી તેમને મળી શકવાની છૂટછાટ મળતાં જ હું કર્ણાવતી હોસ્પિટલ પહોંચી ગયો. અમારી વચ્ચે ખાસ વાતચીત થવાનો અવકાશ નહોતો. છતાં એ એટલું બોલ્યા,‘હવે ઓફિસે નહીં,ઘરે મળવા આવજે.વાત બરાબર હતી. હમણાં એ ઑફિસે આવી શકે એમ હતા નહીં.
ભૂપત વડોદરિયાના અભિનંદન સ્વીકારતા વિનોદભાઈ.
પાછળ (ડાબેથી )જલન માતરી અને રતિલાલ બોરીસાગર 
સાજા થઈને તે ઘેર આવ્યા, એના થોડા સમય પછી હું તેમને ઘેર મળવા ગયો. એ દિવસે તેમણે મારી સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો. મને કહ્યું,‘તને સાહિત્યમાં, વાંચનમાં રસ છે,તો પરિષદનો (ગુજરાતી સાહિત્ય પરિષદ) સભ્ય થઈ જા. આ પ્રસ્તાવ મઝાનો હતો. પણ હું એ વખતે નોકરી માટે દુબઈ જવાની વેતરણમાં હતો. એ હકીકત જણાવીને મેં કહ્યું,‘ પછી સભ્યપદ મારા માટે કશા ખપનું નહીં રહે. વિનોદકાકાએ એનો ઉપાય સૂચવતાં કહ્યું, ‘તો પછી આજીવન સભ્ય થઈ જા ને! આટલું કહીને હસતાં હસતાં કહે,‘હવે પછીની પ્રમુખપદની ચૂંટણીનો હું ઉમેદવાર છું. તું સભ્ય બનું તો તારો મત મને મળશે ને! વાત બરાબર હતી. જરાય વરખ લગાડ્યા વિના વિનોદકાકાએ મને આમ કહ્યું, એટલે હું પણ પરિષદનો સભ્ય બની ગયો. તેમની સલાહથી, સૂચનથી કે ભલામણથી હું પરિષદનો સભ્ય બની ગયો એ પછી મને એમ જ લાગે છે કે હું વગર ચૂંટણીએ પરિષદનો પ્રમુખ બની ગયો હોઉં. કમ સે કમ,પરિષદના પટાંગણમાં ગયા પછી તો સાલું (આ એમનો પ્રિય શબ્દ) એવું જ લાગવા માંડે છે.

એ પછી નોકરી માટે મારે દુબઈ જવાનું બન્યું. ત્રણેક વર્ષના એ ગાળામાં તેમની સાથે જીવંત સંપર્ક ન રહ્યો. જો કે,તેમને વાંચવાનું ચાલુ જ હતું. સાહિત્યિક કાર્યક્રમોમાં કદીક હાજર રહેતા મારા મમ્મી-પપ્પાને કે રજનીકાકાને તે મારા ખબર પૂછી લેતા. પરિષદ પ્રમુખના ઉમેદવાર લેખે એ ચૂંટણીમાં ઊભા રહ્યા ત્યારે પણ હું દુબઈ જ હતો. મારા વતી પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સૂચના મારા પપ્પાને મેં આપેલી. જો કે, એની જરૂર જ ન પડી. વિનોદકાકા એ ચૂંટણી બિનહરીફ જીતી ગયાના સમાચાર મારા પપ્પાએ મને ખાસ દુબઈ ફોન કરીને આપ્યા હતા. એ પછી દુબઈમાં જ મને જન્મભૂમિ-પ્રવાસીમાં ફોટા સાથે સમાચાર વાંચવા મળ્યા કે મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાત સરકારના વડા હોવાના નાતે પરિષદને રૂપિયા એકાવન લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં એ માટેનો ચેક પણ વ્યવસ્થા ગોઠવી પરિષદ પ્રમુખ વિનોદ ભટ્ટને ગાંધીનગર રૂબરૂ બોલાવી બનતી ત્વરાએ આપ્યો. આ વાંચીને મને થયું કે ચાલો,વિનોદકાકાને મેં (ન) આપેલો મત તો વસૂલ થઈ ગયો, પણ એ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા એય વસૂલ થઈ ગયું. એ દિવસોમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ભયંકર નાણાંભીડ અનુભવી રહી હતી, એ જગજાહેર હકીકત આજે ખાસ ઉલ્લેખવી રહી. એવામાં આ નાણાંકીય સહાય દુષ્કાળમાં ધોધમાર વરસાદ જેવી સાબિત થાય એ સમજી શકાય એમ છે.
પરદેશથી હું કાયમ માટે પાછો આવી ગયો. હવે હું અમદાવાદમાં જ હતો. વળી પાછો વિનોદકાકાને મળવાનો ક્રમ પૂર્વવત કરવાનો હતો. મેં તેમને ફોન કર્યો, એટલે તેમણે ઉમળકાભેર મારા ખબરઅંતર પૂછીને કહ્યું, ‘દોસ્ત,હવે તારે આપણે ઘરે જ મળવા આવવાનું. એ પછી તેમને મળવા ઘેર ગયો. ઓફિસ માટે આપણે હવે કોઈ કામના રહ્યા નથીએવું હસતાં હસતાં કહીને તેમણે સ્પષ્ટતા કરી કે વધતી ઉંમર અને તબિયતના સંજોગો જોતા હવે પોતે ઘેરબેઠા જ લેખનવાંચનમાં સક્રિય રહેવાનું નક્કી કર્યું છે.
અમારી અનૌપચારિક બેઠક 
હવે ફરીથી મળવાનો દૌર તેમના ઘરે શરૂ થયો. ઘેર તો સમયનું બંધન હતું નહીં. ઘડિયાળની જરૂર તેમને મળવાનો સમય નક્કી કરવા અને તેમને ઘેર પહોંચવા પૂરતી જ રહેતી. એક વાર ઘેર ગયા અને વાતો શરૂ થાય એ પછી ઘડિયાળને ખિસ્સામાં સેરવી દેવાની. કેટલો સમય વીત્યો એનો ખ્યાલ જ ન રહે, કેમ કે વાતો અને વિષય ખૂટે જ નહીં. પોતાને જ કેન્દ્રમાં રાખીને વાત કરવાનું તો એમને પોતાને જ ન ફાવે,તેમ પોતે જ બોલબોલ કર્યા કરવાનુંય એમના સ્વભાવમાં નહીં. એટલે કંઈ પૂછે એના જવાબમાં આપણે જે કહીએ તેને શાંતિથી સાંભળે અને રસપૂર્વક પૃચ્છા કરે. વચ્ચે વચ્ચે તેમના ઘરના ભાર વગરના આતિથ્યનો પણ લાભ મળતો રહે. ચા-નાસ્તો-શરબત-આઈસ્ક્રીમ વગેરે સમય અને જરૂરત મુજબ આવતાં જ રહે. દોસ્ત, બીજું શું છે જાણવા જેવું?’ આ એમની પૂછવાની શૈલી અને આપણે જાણવા જેવુંકહીએ એટલે એ ધ્યાનથી સાંભળે. તેમનાં પત્ની નલિનીકાકી, જેમને તેમાસ્તરકહીને સંબોધે છે, એ પણ ક્યારેક અમારી વાતોમાં જોડાય.
તેમને નિયમિત વાંચવાનું તો બનતું જ, પણ બને ત્યાં સુધી સાંભળવા પણ ખરા, એવું મારા મનમાં ગોઠવાઈ ગયું છે. વક્તા તરીકે એમનું નામ હોય એવા કાર્યક્રમમાં આજે પણ ખાસ જવાનો ક્રમ મેં જાળવી રાખ્યો છે. અત્યાર સુધીનો મારો અનુભવ રહ્યો છે કે વક્તવ્યમાં તેમણે મઝા જ કરાવી છે. પોતાની ફીરકી પણ ઉતારે, તેમ બીજાની પણ ખબર લેતા રહે. જો કે, આ બધું કોઈ ડંખપૂર્વક કે બદલાની ભાવનાથી નહીં જ. માત્ર ને માત્ર નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કરવા માટે. અમદાવાદમાં વક્તવ્ય હોય તો એ મારી હાજરીની, ખાસ કરીને ગેરહાજરીની નોંધ એ અવશ્ય લે. તેમના એક કાર્યક્રમમાં કોઈક કારણસર મારાથી હાજર રહેવાય એમ નહોતું. મંચ પર વિનોદકાકા બોલવા ઉભા થયા અને શ્રોતાઓની વચ્ચે તેમણે મારા મમ્મી-પપ્પા અને પત્ની શિલ્પાને બેઠેલાં જોયા. તેમણે માઇકમાં જ પૂછ્યું, ‘ક્યાં ગયો બિનીત? નથી આવ્યો કે શું? તમને અહીં બેસાડીને એ પોતે બહાર છુટ્ટો ફરતો ફરે છે. હશે એ તો. મારા ભાષણો સાંભળીને કંટાળી ગયો હશે. શું થાય? હું ય કંટાળ્યો છું, પણ શું કરું?’ આ સાંભળતાં જ ઉપસ્થિત સભાજનોમાં હાસ્યનું કેવું મોજું ફરી વળ્યું હશે, એની કલ્પના કરી જુઓ.

મુંબઈમાં યોજાયેલા એમના એક વક્તવ્યમાં હું હાજર નહોતો, પણ સાંભળેલી વાત છે. વિનોદકાકાએ વક્તવ્ય શરૂ કર્યું. હજી બે-ચાર લીટી બોલ્યા હશે કે પહેલી હરોળમાં બેઠેલા એક સજ્જનનો સેલફોન રણકી ઉઠ્યો. સેલફોનને સાઈલન્ટ મોડ પર મૂકવાની વિનંતી કદાચ મંચ પરથી અગાઉ કરાઈ હશે કે નહીં એની જાણ નથી, પણ મોટા ભાગના લોકો એમ જ સમજે છે કે એ વિનંતી અન્યોને લાગુ પડે છે. પેલા સજ્જને સહેજ ઉંચા થઈને સેલફોન કાઢ્યો. એ સાથે જ વિનોદકાકા બોલતા અટક્યા અને પેલા સજ્જનની સામું જોઈ રહ્યા. પછી સાવ સહજતાથી પૂછ્યું, ‘કોનો, મારો ફોન છે?’ સભાજનોમાં ખડખડાટ હાસ્ય. વિનોદકાકા ગંભીરતાથી કહે,‘ના ના, આ તો મારો એક ફોન આવવાનો હતો. કદાચ તમારી પર આવ્યો હોય.જો કે, તેમનો ઈરાદો સામાનો માનભંગ કરવાનો જરાય ન હોય. એટલે જેના પર આવી રમૂજ થઈ હોય એ પણ તેનો આનંદ માણે.
એમના વક્તવ્યમાં હાસ્યની ગેરંટી 
અન્ય એક સભાનું એ સંચાલન કરતા હતા ત્યારે શ્રોતાઓમાં બેઠેલા એક ડૉક્ટર જોગ સંદેશો આવ્યો. એ ડૉક્ટરને પોતાના દવાખાને પહોંચવાનું હતું. સંચાલક હોવાથી એ સંદેશો વિનોદકાકાએ વાંચી સંભળાવવાનો હતો. પણ એમ સીધેસીધો વાંચી કાઢે તો એ વિનોદકાકા નહીં. તેમણે ચિઠ્ઠી વાંચતાં કહ્યું,‘ફલાણાભાઈ, જે પી.એચ.ડી. નથી, પણ ડૉક્ટર છે, તેમને માટે સંદેશો છે કે તેમના દવાખાને આવેલો દરદી પોતાની મેળે સાજો થઈને ઘેર જતો રહે એ પહેલાં ડૉક્ટરસાહેબે દવાખાને પહોંચી જવું.આવી શીઘ્ર રમૂજ એમને તદ્દન જીભવગી. અને એ કહ્યા પછી કેવી રહી જેવો પ્રશંસા ઉઘરાવવાનો ભાવ નહીં કે પોતે ભલે હાસ્યકાર રહ્યા, પણ હકીકતમાં તો વિદ્વાન છે, એવી સમજણ આપવાનોય પ્રયાસ નહીં. બસ, હાસ્ય માટેનો સાચુકલો પ્રેમ અને નિસ્બત.
જાહેર કાર્યક્રમોમાં વક્તા તરીકે વિનોદ ભટ્ટનો નંબર છેલ્લો અથવા સેકન્ડ લાસ્ટ જ રાખવો પડે. એ ક્રમ જાળવવામાં આયોજક ગોથું ખાઈ જાય અને એમનો નંબર કાર્યક્રમના પ્રારંભે રાખે તો પછીના વક્તાઓએ ઓછા શ્રોતાઓથી ચલાવી લેવું પડે એની ગેરન્ટી. વક્તા તરીકે એ પૂરા અર્થમાં ખીલે એટલું જ નહીં, શ્રોતાઓ સાથે સીધું સંધાન કરતું વક્તવ્ય આપે. તાજેતરનો જ દાખલો આપું.
ગયા શનિવાર, 7 જાન્યુઆરીએ અમદાવાદની કર્ણાવતી ક્લબમાં કવિ હર્ષ બ્રહ્મભટ્ટના બે કાવ્યસંગ્રહોનું વિમોચન મોરારિબાપુના હસ્તે હતું, જેમાં સંચાલન અંકિત ત્રિવેદીનું હતું (અહીંથી હસવા ન માંડતા, હસવાની વાત હજી આગળ આવે છે.) વક્તા તરીકે શોભિત દેસાઈ તેમજ રાજેશ વ્યાસ મિસ્કીનની સાથે વિનોદ ભટ્ટ પણ ખરા. વિનોદકાકાનો વારો આવતાં જ તેમની ફટકાબાજી શરૂ થઈ ગઈ.
હર્ષ બ્રહ્મભટ્ટ/ Harsh Brahmbhatt ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ જેવા અતિ મહત્વના વિભાગના અધિક સચિવપદે કાર્યરત છે. તેમના કાર્યક્રમમાં ભરચક શ્રોતાઓ વચ્ચે સંખ્યાબંધ સનદી અધિકારીઓની હાજરી પણ ધ્યાન ખેંચતી હતી.
' દોસ્ત, બીજું શું છે જાણવા જેવું?'  
થોડા દિવસ અગાઉ આવા જ એક અધિકારી રાજીવ ગુપ્તા/ Rajiv Gupta એ જાહેર શિસ્ત સંદર્ભે લખેલા પુસ્તક પબ્લિક ડિસીપ્લીન’/ Public Discipline નું વિમોચન મુખ્યમંત્રીના હસ્તે હતું. વિનોદકાકા એ કાર્યક્રમમાં પણ હાજર હતા. મુખ્યમંત્રી એ કાર્યક્રમમાં નિયત સમય કરતાં લગભગ પોણો કલાક મોડા આવેલા. જો કે, પોતાની આ હરકતની તેમણે એ જ કાર્યક્રમમાં નોંધ લીધી અને વક્તવ્યમાં કહેલું, ‘આપણા છાપાંઓમાં આજના કાર્યક્રમ વિશે એક લીટી નહીં છપાય, પણ હું મોડો પડ્યો એને હેડલાઇન ન્યુઝ બનાવી દેવાશે. શ્રોતાઓની હરોળમાં બેઠેલા વિનોદ ભટ્ટની હાજરીની નોંધ લઈને મુખ્યમંત્રીએ ઉમેરો કરતાં કહ્યું, આ વિનોદભાઈ જ તેમની હાસ્યની કોલમમાં કંઈક ટીકા-ટીપ્પણી કરશે.
વિનોદકાકાએ આ ઘટનાનો ઉલ્લેખ હર્ષભાઈવાળા કાર્યક્રમમાં પોતાના વક્તવ્યમાં કરતાં કહ્યું,મુખ્યમંત્રીને જે બાબતનો ડર કે ભીતિ છે એવું કશુંય આપણે હજી સુધી તો લખ્યું નથી. પછી ઉમેર્યું, ‘લખ્યું ભલે નથી, પણ કહેવાય તો ખરું ને?’ એમ જાહેરમાં પૂછીને કહ્યું, મુખ્યમંત્રી મોડા પડ્યા એ તો સમાચાર છે જ નહીં. પણ મોડા પડ્યા પછી તેમણે સોરી કહ્યું એ જ ખરા સમાચાર છે.આખા હૉલમાં ખડખડાટ હાસ્ય. વળી પાછી વિનોદ બ્રાન્ડ હ્યુમરમાં કહ્યું, (એમની ડીક્ષનેરીમાંસોરીશબ્દ નથી એમ) નેપોલિયનની ડીક્ષનરીમાં પણ ઇમ્પોસિબલ શબ્દ ન હતો. તે ના હોય. જૂની કે ફાટેલી ડીક્ષનેરી લાવે તો ના જ હોય ને? આટલું કહી રહ્યા પછી પહેલી હરોળમાં બેઠેલા પ્રધાનમંડળના ચાર-પાંચ મંત્રીઓને ઉદ્દેશીને એક એક શબ્દ છૂટો પાડતાં કહ્યું, ‘નરેન્દ્રભાઈ ક્યારેક મળે તો કહેજો કે સોરી કહેવા બદલ ગુજરાતની છ કરોડ જનતાએ તેમનો આભાર માન્યો છે.વળી સહેજ અટકીને કહે, જો કે તમારે મળવાનું થશે ત્યાં સુધીમાં ગુજરાતની વસતી વધી ગઈ હશે એ વાતનોય ખ્યાલ રાખજો.
હવે વિનોદકાકાએ સુકાન મોરારીબાપુ તરફ ફેરવ્યું. તેમને પૂછ્યું,તમે બાપુ તરીકે ઓળખાવ છો. પણ મને તમે વિનુબાપા કહો છો. એ સારું તો લાગે છે, પણ બન્નેમાં મોટું કોણ ગણાય? બાપુ કે બાપા? એ મને ખબર નથી. સમજાવો.

મોરારીબાપુ કવિતાસર્જન કરનારાને દર વર્ષે નરસિંહ મહેતાના નામ સાથે સંકળાયેલું સન્માન આપે છે તેની વિનોદબાબુએ સહર્ષ નોંધ લીધી અને એ સન્માન અંતર્ગત આપવામાં આવતા ઈનામની રકમ પણ આગલી હરોળમાં બેઠેલા કવિ શોભિત દેસાઈને જાહેરમાં જ પૂછી. શોભિત દેસાઈએ એ રકમ રૂપિયા એક લાખ એકાવન હજારની છે એમ જણાવ્યું. એટલે વિનોદબાપાએ તત્ક્ષણ કહ્યું, જુઓ બાપુ, આને રકમ મોઢે છે. એનો મતલબ એ કે એને હજી એ સન્માન – ઇનામ મળ્યું નથી. તમે કંઈક વિચારજો.
આટલી ફટકાબાજી પછી વારો નીકળ્યો રઘુવીર ચૌધરીનો. પોતાને સાહિત્યની, એ કામ સાથે સંકળાયેલી પરિષદ (ગુજરાતી સાહિત્ય પરિષદ)ની ખૂબ ચિંતા છે એમ જણાવતાં  શ્રોતાઓને વિનોદકાકાએ કહ્યું,(મને ચિંતા) કેમ ન હોય? એ સંસ્થાનો હું ભૂતપૂર્વ પ્રમુખ છું. અરે, એ તો ઠીક, અત્યારે તેનો ટ્રસ્ટી પણ છું. આટલું કહીને પહેલી હરોળમાં બેઠેલા રઘુવીર ચૌધરીને તેમણે ગંભીરતાપૂર્વક પૂછ્યું ,‘હું હજી ટ્રસ્ટી છું ને? ના, આ તો એટલા માટે પૂછું છું કે આજે બપોરે થયેલી મિટિંગમાં હું ગેરહાજર હતો. એટલે પૂછી રાખવું સારું. જરા વિચારી જુઓ. આ બધી ફટકાબાજી તો એક જ વક્તવ્યમાં તેમણે કરી હતી. એટલે જ તેમનું વક્તવ્ય સાંભળવાનો જલસો પડે છે. જો કે, શ્રોતાઓની નાડ પારખી જાણનાર વિનોદકાકા તેમને વક્તવ્ય માટે ફાળવાયેલો સમય પૂરો થવા આવે એટલે અટકી જાય. સાથી વક્તાઓ કે આયોજકને સમયની અનુકૂળતા કે બંધન વિશે જાહેરમાં પ્રશ્ન પણ કરી લે અને એ રીતેય સૌને હસાવે.
૭૨મા જન્મદિને નાનકડું સ્નેહમિલન
(ડાબેથી) વિપુલ કલ્યાણી, વિનોદ ભટ્ટ (પાછળ બિનીત) પ્રકાશ ન. શાહ 
હું તેમના રૂબરૂ સંપર્કમાં આવ્યો લગભગ એ જ અરસામાં મહેમદાવાદના કોઠારીબંધુઓ (બીરેન અને ઉર્વીશ) પત્ર દ્વારા વિનોદકાકાના સંપર્કમાં આવેલા. એ બન્નેએ પણ એક વાચક લેખે જ પત્ર દ્વારા તેમનો સંપર્ક કરેલો અને પછી એ સંપર્ક ધીમે ધીમે આગળ વધતો રહેલો. રજનીકાકાને મળવા એ બન્ને આવ્યા ત્યારે એક વાર રજનીકાકાએ તેમની સાથે મારો ભેટો પણ કરાવી દીધો. (રેસ્ટ ઈઝ હીસ્ટરી એવું કોણ બોલ્યું?) એ બન્ને જણ કદીક વિનોદકાકાને મળવા પણ જતા હશે, છતાં અમે સાથે મળીને વિનોદકાકાને ત્યાં જઈએ એવા સંજોગો ભાગ્યે જ ઉભા થયા. જો કે, અમે વિનોદકાકાને ભલે અલગ અલગ રીતે મળીએ, છતાં વાતચીતમાં એકબીજાની હાજરી હોય જ.

૧૪ મી જાન્યુઆરીનો દિવસ ઉત્તરાયણનો ખરો, પણ પછીના વરસોમાં મને એ દિવસ વિનોદકાકાના જન્મદિવસ તરીકે વધારે યાદ રહી ગયો છે. વર્ષભરની મારી નિયમિત મુલાકાતો ઉપરાંત ઉત્તરાયણે, તેમના જન્મદિવસની સાંજે વિનોદકાકાને ખાસ મળવા જવાનો ક્રમ મેં પાંચેક વર્ષથી રાખ્યો છે. અમદાવાદમાં જ રહેતો હોવાથી આ અવસર હું ચૂકતો નથી. બીરેન કે ઉર્વીશે માત્ર ફોનથી વિનોદકાકાને અભિનંદન આપીને સંતોષ માનવો પડે છે. એવું જ પ્રણવ અધ્યારૂનું. એ તો અમદાવાદમાં જ છે, પણ પોળની ઉત્તરાયણનો ઘરેડ ચાહક. વરસના બાકીના દિવસે ઉર્વીશ કે પ્રણવ ભલે વિનોદકાકાને ત્યાં બેઠક જમાવતા હોય, પણ વિનોદકાકાના જન્મદિને એમને ત્યાં એ આવી શકે એવી શક્યતા નહીંવત છે, જેનો સીધો અને દેખીતો ફાયદો મને મળે છે. અમુક મિત્રોની હાજરી આપણને ફળે,તો અમુકની ગેરહાજરી આપણને ફળે. કોઠારી બંધુઓ કે પ્રણવના ભાગનો નાસ્તો અને મીઠાઈ મારા ભાગે આવે છે અને હું સમૃદ્ધ થતો જાઉં છું. બિનસત્તાવાર લંબગોળો (વર્તુળો હવે ક્યાં પહેલા જેવા રહ્યા છે?) પાસેથી મને ખબર મળ્યા છે કે એ લોકો ઉત્તરાયણના તહેવારની તારીખ બદલાવવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ભલે એ લોકો એમાં અટવાતા, ત્યાં સુધી મારામાં એમનો ભાગ પડવાનો નથી.
૧૪ જાન્યુઆરી, ૧૯૩૮ના દિવસે જન્મેલા વિનોદ ભટ્ટ આજે ઉત્તરાયણ ૧૪ જાન્યુઆરી, ૨૦૧૨ ના દિવસે ચુંમોતેરમું વર્ષ પૂરું કરીને પંચોતેરમા વરસમાં પ્રવેશશે. મારા જેવા અનેકના જીવનમાં હાસ્ય પાથરનાર આ હાસ્યપ્રેમી હાસ્યલેખકને હાર્દિક શુભેચ્છાઓ.
વિનોદકાકાને ફોનથી શુભેચ્છા પાઠવવા માંગતા મિત્રો તેમને (079) 2545 2700 પર સવારે 10 થી 12માં અને સાંજે 5 થી 7 માં ફોન કરી શકે.