Friday, May 3, 2013

સિનેમાનો શતાબ્દિદિન: ઉજવણી, અનુસંધાન......... અને અપીલ


ઘણી ઘટનાઓ એવી હોય છે કે જે તે સમયે તે બને ત્યારે તેનું મહત્વ કે મૂલ્ય એક હદથી વધુ ન હોય. પણ સમય વીતતો જાય ત્યારે ખ્યાલ આવે કે આ ઘટના હકીકતમાં સાવ ધૂળિયા માર્ગમાં પડેલા પહેલવહેલા ચીલા સમાન હતી, કે જેની ઉપર આગળ જતાં આખેઆખો રાજમાર્ગ તૈયાર થઈ શક્યો.
ભારતમાં સિનેમાનો પ્રવેશ પણ કંઈક આ રીતે જ થયો હતો. 
બે મરાઠી સજ્જનો રામચંદ્ર ગોપાળ તોરણે ઉર્ફે દાદાસાહેબ તોરણે અને નાનાભાઈ ગોવિંદ ચિત્રેએ પુંડલિક નામે ફિલ્મ બનાવી હતી. અત્યાર સુધી પડદા પર વિવિધ સ્થળો કે કોઈ પ્રસંગનાં દૃશ્યો જ દર્શાવાતાં હતાં, તેને બદલે કથાવસ્તુ પર આધારિત હોય એવી આ પહેલી ફિલ્મ હતી. તેની ફોટોગ્રાફી મિ.જહોનસને કરી હતી. દિગ્દર્શન દાદાસાહેબ તોરણેએ પોતે કર્યું હતું. 

' પુંડલિક'ની જાહેરખબર: ભારતની પહેલી ફિલ્મ? 

આશરે પંદરસો ફીટ લાંબી, બાવીસેક મિનીટની આ ફિલ્મને પ્રોસેસિંગ માટે વિદેશમાં મોકલવામાં આવી હતી. આ ફિલ્મને મુંબઈના ગીરગામ પર આવેલા કોરોનેશન સિનેમેટોગ્રાફમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. દિવસ હતો ૧૮મી મે, ૧૯૧૨નો. કોરોનેશનમાં બે એક અઠવાડિયા ચાલ્યા પછી એકાદ બે અન્ય જગાએ તે દર્શાવવામાં આવી. ફિલ્મને, જો કે, નબળો પ્રતિસાદ મળ્યો. એ રીતે કથાવસ્તુ આધારિત આ ફિલ્મનો પ્રયોગ સફળ થયો, પણ સ્વીકૃત નહીં. એક થિયેટરમાં આ ફિલ્મના પ્રદર્શન દરમ્યાન આગ લાગતાં તેની એકમાત્ર પ્રિન્‍ટ બળી ગઈ. કદાચ આ કારણથી ભારતની પહેલવહેલી ફિલ્મ તરીકેનું માન મેળવવાથી તે વંચિત રહી ગઈ.
આ માન મળ્યું પછીના વરસે આવેલી ફિલ્મ રાજા હરિશ્ચન્‍દ્રને. ઘુંડીરાજ ગોવિંદ ફાળકે ઉર્ફે દાદાસાહેબ ફાળકેએ રાજા હરિશ્ચંદ્ર નામે ફિલ્મ કોરોનેશન સિનેમેટોગ્રાફ નામના થિયેટરમાં રજૂ કરી. દાદાસાહેબની ત્યારે ઉંમર હતી ૪૩ વરસની. આશરે ૩,૭૦૦ ફીટ લંબાઈ ધરાવતી એ ફિલ્મનો સમયગાળો ચાળીસેક મિનીટનો હતો. આ મૂંગી ફિલ્મ હતી. પણ તેને મરાઠી ફિલ્મ ગણાવાઈ હતી.
 ‘રાજા હરિશ્ચંદ્ર રજૂ થયાનો એ દિવસ હતો ૩ મે, ૧૯૧૩નો.
એટલે કે આજના દિવસથી બરાબર સો વરસ પહેલાંનો.

રાજા હરીશ્ચંદ્ર: સૌ સાલ પહલે..... 
**** **** ****

આ સો વરસમાં તો પડદાની પાછળ (કે આગળ) પ્રોજેક્ટરમાં કેટલીય રીલો ફરી ગઈ છે. સિનેમાએ આ ગાળામાં અકલ્પનીય પ્રગતિ સાધી છે. લોકોના જીવનનું તે અવિભાજ્ય અંગ બન્યું છે. અને છતાંય તેના ઈતિહાસનું દસ્તાવેજીકરણ થવું જોઈએ એટલી અધિકૃત રીતે થયું નથી.
૧૯૧૩થી સિનેમાના યુગનો આરંભ થયેલો ગણીએ તો ૧૯૩૧ સુધીના સમયગાળાને આ યુગનું પહેલું ચરણ ગણાવી શકાય. અત્યાર સુધી ધ્વનિ વિનાની હાલતીચાલતી છબિઓને હવે વાચા સાંપડી અને આલમઆરા ભારતની સૌ પ્રથમ બોલતી ફિલ્મ બની રહી. પણ મૂંગી ફિલ્મોના આ અઢાર વરસનો સમયગાળો ઘણી બધી રીતે પડકારજનક અને અજમાયશનો હતો.
એક તરફ વિદેશી શાસન વિરુદ્ધ આવી રહેલી જાગૃતિ અને તેને લઈને ઠેરઠેર થતાં વિરોધ પ્રદર્શનો, નવાનવા વૈજ્ઞાનિક આવિષ્કારો, સાશંક નજરે તેની સ્વિકૃતિ, તેને લઈને ઉભું થતું અનિશ્ચિતતાભર્યું વાતાવરણ....આવાં અનેક વિપરીત પરિબળોની વચ્ચે પણ અનેક સાહસિકો ફિલ્મક્ષેત્રમાં આકર્ષાયા, તેમાં આવ્યા અને અહીં રહીને તેમણે આ નવા માધ્યમને આત્મસાત કરવાનો પ્રયાસ કર્યો. આ સાહસિકો વિવિધ પ્રાંતના હતા, વિવિધ વ્યવસાયોમાં કાર્યરત હતા, અને સિનેમાના સાવ નવાસવા માધ્યમનો તેમને કશો અનુભવ નહોતો.
વીસના દાયકાના અંત સુધીમાં તો દેશના વિવિધ શહેરોમાં કેટલાય નિર્માતાઓ ફિલ્મનિર્માણમાં કાર્યરત થઈ ગયા. અનેક નિર્માણસંસ્થાઓ ઉભી થઈ. સાવ આરંભે મળતા ઓછા નફા પછી ધીમે ધીમે નાણાંનું તગડું વળતર આ વ્યવસાયમાં મળવા લાગ્યું.

સિનેમાક્ષેત્રમાં પ્રવેશેલા આ લોકોમાં ઘણી મોટી સંખ્યા ગુજરાતી વેપારીઓની હતી. ગુજરાતીઓ દ્વારા આરંભાયેલી ફિલ્મનિર્માણ કંપનીઓ સાલવારી મુજબ જોવાથી આ બાબતનો કંઈક અંદાજ આવી શકશે.  આજે સિનેમાના શતાબ્દિ વર્ષે પાયાના આ પથ્થરોને યાદ કરીએ.

**** **** ****

૧૯૧૭માં કોલકાતામાં જમશેદજી માદને માદન થિયેટર્સનો આરંભ કર્યો. ત્યાર પછીના વરસે ૧૯૧૮માં દ્વારકાદાસ સંપતે એસ.એન. પાટણકર સાથે ભાગીદારીમાં પહેલાં પાટણકર એન્‍ડ ફ્રેન્‍ડ્સ કંપની શરૂ કરી. અબ્દુલ્લા હુસેનના ચેરમેનપદે ચુનીલાલ મુનીમ, મંગળદાસ જી. પારેખ અને એચ.એમ.મહેતાના ડાયરેક્ટરપદે, મેનેજીંગ ડિરેક્ટર તરીકે સચેતસિંહને નીમીને ૧૯૧૯માં આરંભ થયો ઓરિએન્‍ટલ ફિલ્મ મેન્યુ. કં.નો. 
એ જ વરસે દ્વારકાદાસ સંપતે માણેકલાલ ભોગીલાલ પટેલની સાથે મળીને કોહીનૂર ફિલ્મ કં. સ્થાપી. ૧૯૨૨માં અરદેશર ઈરાની અને ભોગીલાલ કેવળરામ દવેએ સ્ટાર ફિલ્મ્સની સ્થાપના કરી. આ જ અરદેશર ઈરાની આગળ જતાં ભારતની પહેલવહેલી બોલતી ફિલ્મ આલમઆરાના નિર્માતા બનવાનું બહુમાન પ્રાપ્ત કરવાના હતા. એ જ વરસે ઠાકુરદાસ વકીલ અને હરીલાલે મળીને નેશનલ ફિલ્મ કં.નો આરંભ કર્યો. એ પછી ૧૯૨૪માં નાનુભાઈ દેસાઈ, ભોગીલાલ કે.દવે, દોરાબશા કોલાહ અને નવરોજજી પાવરીએ મળીને સરસ્વતી ફિલ્મ કં. સ્થાપી. દરમ્યાન કોહીનૂરમાંથી છૂટા થયેલા માણેકલાલ પટેલે ૧૯૨૪માં પોતાની કૃષ્ણ ફિલ્મ કં.નો આરંભ કર્યો. આ જ વરસમાં રાજકોટમાં વજેશંકર પટ્ટણી અને ચંપકભાઈ કાનજી પટ્ટણીએ સૌરાષ્ટ્ર ફિલ્મ કં.ની શરૂઆત કરી. ૧૯૨૫માં રામદાસ દ્વારકાદાસ સંપત અને અમદાવાદના મીલમાલિક અમૃતલાલ શેઠે હાથ મિલાવ્યા અને લક્ષ્મી પિક્ચર્સનો પાયો નાંખ્યો. અરદેશર ઈરાનીએ આ વરસે શેઠ અબુ હુસેન સાથે ભાગીદારી કરી અને રોયલ આર્ટ સ્ટુડિયોનો શુભારંભ કર્યો. ૧૯૨૫માં જ મયાશંકર ભટ્ટ, અને સરસ્વતીના બે ભાગીદારો નાનુભાઈ દેસાઈ તેમજ ભોગીલાલ દવેએ મળીને શારદા ફિલ્મ કં. શરૂ કરી.


વિવિધ કંપનીઓની કેટલીક મૂંગી ફિલ્મોની બુકલેટ 
પછીના વરસે ૧૯૨૬માં અબ્દુલઅલી યુસુફઅલી તેમજ મહંમદઅલી રંગવાલા સાથે મળીને અરદેશર ઈરાનીએ ઈમ્પીરીયલ ફિલ્મ કં.ની સ્થાપના કરી. શેઠ વજીર હાજીએ પણ આ વરસમાં પાયોનિયર ફિલ્મ કં.નો આરંભ કર્યો. સચીનના નવાબનાં બેગમે પોતાને નામે વિકટોરીયા ફાતમા ફિલ્મ કં. મુંબઈમાં શરૂ કરી. ૧૯૨૬માં તેમણે બનાવેલી ફિલ્મ બુલબુલ-એ-પરીસ્તાનમાં તેમની જ ત્રણ દીકરીઓએ મુખ્ય ભૂમિકા અદા કરી હતી. એ ત્રણ દીકરીઓ એટલે ઝુબૈદા, સુલતાના અને શાહજાદી. તેમાંની ઝુબૈદાને આગળ જતાં ભારતની સૌ પ્રથમ બોલતી ફિલ્મઆલમઆરાની નાયિકા બનવાનું સદ્‍ભાગ્ય પ્રાપ્ત થયું.
આગળ જતાં મહાગુજરાત આંદોલનના લોકલાડીલા નેતા અને ઈંદુચાચા તરીકે ઓળખાયેલા ઈંદુલાલ યાજ્ઞિક પણ આરંભે ફિલ્મનિર્માણમાં સક્રિય બનેલા. ૧૯૨૮માં તેમણે યંગ ઈન્‍ડિયા નામે કંપની સ્થાપી. માધવદાસ પાસ્તા અને ચંદુલાલ શાહે મળીને જગદીશ ફિલ્મ કં.નો આરંભ આ જ વરસે કર્યો અને પછીના વરસે ૧૯૨૯માં ચંદુલાલ શાહે ગૌહરબાનુ સાથે મળીને રણજિત ફિલ્મ કં.ની સ્થાપના કરી, જેની વિજયપતાકા ત્રણત્રણ દાયકા સુધી લહેરાતી રહેવાની હતી અને અનેક પ્રતિભાઓના પડદા પરના પ્રવેશ માટે નિમિત્ત બની રહેવાની હતી. બેંગ્લોરમાં હરિભાઈ આર. દેસાઈ અને પુરુષોત્તમ વિઠ્ઠલદાસે સૂર્ય ફિલ્મ કં.’નો આરંભ પણ આ વરસમાં જ કર્યો. દરમ્યાન નાનુભાઈ દેસાઈ પોતાના ભાગીદારોથી છૂટા પડ્યા અને તેમણે પોતે એકલપંડે સરોજ ફિલ્મ કં. શરૂ કરી. નાનુભાઈ દેસાઈ એટલે સાઠ અને સીત્તેરના દાયકાની અનેક ફિલ્મોમાં ખલનાયિકા તરીકે આગવી ઓળખ ઉભી કરનાર અભિનેત્રી બિંદુના પિતાજી.
ઉલ્લેખનીય છે કે માદન (કોલકાતા), સૌરાષ્ટ્ર(રાજકોટ) તેમજ સૂર્યા’(બેંગ્લોર) સિવાયની બધી ફિલ્મકંપનીઓ મુંબઈસ્થિત હતી.
અહીં કેવળ મહત્વના ગુજરાતી નિર્માતાઓનો જ નામોલ્લેખ કર્યો છે. અને એવી ફિલ્મકંપનીઓનો જ ઉલ્લેખ કર્યો છે કે જેમણે દસ કરતાં વધુ મૂંગી ફિલ્મોનું નિર્માણ કર્યું હોય.
ઉપરની યાદીમાં એક મહત્વની કંપનીનો ઉલ્લેખ કરવો જરૂરી ગણાય. ૧૯૩૦માં અરદેશર ઈરાનીએ બીજી એક કંપની શરૂ કરી, જેનું નામ હતું સાગર ફિલ્મ કંપની’. બહુ ઝડપથી આ કંપનીનું સુકાન ચીમનલાલ દેસાઈ અને ડૉ. અંબાલાલ પટેલના હાથમાં આવ્યું અને બોલતી ફિલ્મોના સૌ પ્રથમ દાયકાની એ અગ્રણી ફિલ્મકંપની બની રહી. 
ચીમનલાલ દેસાઈ: 'સાગર મુવિટોન'ના માલિક 
સાગર થકી હિન્‍દી ફિલ્મોમાં જે કલાકારોનો પ્રવેશ થયો એ સૌએ સાવ પા પા પગલી કરતા ફિલ્મઉદ્યોગમાં એવાં ધોરણ ઉભાં કર્યાં કે જે પથદર્શક બની રહે. એ કલાકારોનાં નામની કેવળ એક ઝલક લેવાથી સાગરના પ્રચંડ પ્રદાનનો ખ્યાલ આવી શકશે:
મોતીલાલ, મહેબૂબ ખાન, નૂર મહંમદ ચાર્લી, સુરેન્‍દ્ર, બીબ્બો, ભૂદો અડવાણી, અનિલ બિશ્વાસ, નલિની જયવંત વગેરે વગેરે. મંચના મહારથી એવા અશરફખાન અને ગઝલસામ્રાજ્ઞી અખ્તરીબાઈ ફૈઝાબાદી ઉર્ફે બેગમ અખ્તર પણ પડદે ચમક્યાં.
કનૈયાલાલ મુનશી, ર.વ.દેસાઈ, શયદા જેવા ગુજરાતી સાહિત્યનાં અગ્રણીઓની કૃતિઓ પરથી 'સાગર' દ્વારા ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું. જે કંપનીએ ફિલ્મના માધ્યમને સમૃદ્ધ કરવામાં તેના ઘડતરકાળમાં આટલું પ્રચંડ પ્રદાન કર્યું હોય તેના વિષે જાણવાની કેટલી બધી જિજ્ઞાસા હોય? પણ એ જિજ્ઞાસાને સંતોષવી શી રીતે? 
આશ્ચર્ય અને નવાઈ લાગે એવી હકીકત એ છે કે ફિલ્મના ઈતિહાસને લગતાં ભલભલા અભ્યાસુઓના પુસ્તકોમાં પણ સાગરના નામનો કેવળ અછડતો ઉલ્લેખ જ જોવા મળે છે. બી.ડી. ગર્ગ જેવા અભ્યાસુ ઈતિહાસવિદે‍ સાગર વિષે માંડ એકાદ-બે ફકરા ફાળવ્યા હોય ત્યાં બીજા લેખકો પાસેથી શી અપેક્ષા રખાય? સાતેક વરસ અગાઉ પ્રકાશિત થયેલી મિહિર બોઝ લિખીત 'બોલીવુડ: અ હીસ્ટરી' નામના પોણા ચારસો પાનાંના પુસ્તકમાંય 'સાગર' વિષે સાત લીટીઓ છે. અને એમાંય માહિતીના નામે તો મીંડું. તો 'ઓક્સફર્ડ પ્રેસ' દ્વારા પ્રકાશિત ગ્રેગરી બૂથ દ્વારા ખંતપૂર્વક લખાયેલા અભ્યાસુ પુસ્તક 'બીહાઈન્‍ડ ધ કર્ટન'માં ભારતીય ફિલ્મસંગીત વિષે વિશદ્‍ અધ્યયન અને છણાવટ કરવામાં આવી છે. અનેક મુલાકાતો પર આધારિત આ અદ્‍ભુત પુસ્તકમાં 'સાગર' વિષેની માહિતીમાં પાયાની ખામી રહી ગઈ છે અને તેના માલિક તરીકે ચીમનલાલ દેસાઈને બદલે મહેબૂબ ખાનનો ઉલ્લેખ છે. મોટાં કામો સુંદર રીતે કરવા જતાં કદાચ નાની નાની ક્ષતિઓ પ્રત્યે ધ્યાન નહીં જતું હોય! ટૂંકમાં 'સાગર' વિષે કે ચીમનલાલ દેસાઈ વિષે જ્યાં પણ લખાયું હોવાની શક્યતા લાગે અને તપાસ કરીએ ત્યાં મોટે ભાગે નિરાશા જ સાંપડતી આવી છે. તો શું એના વિષે આપણે ભૂલી જવાનું? કાળના ગર્ભમાં એ કંપનીને વિલીન થયેલી માની લેવાની? એ કંપનીનું હોવું એક સ્વપ્ન અને તેના વિષે જે કંઈ જાણવા મળ્યું એ કેવળ યોગાનુયોગ હતો એમ ધારીને વાત પડતી મૂકી દેવાની? 
**** **** ****
યોગાનુયોગની લીલાનો પાર કોણ પામી શક્યું છે! સિનેમાની શતાબ્દિના આ વરસમાં કૃષ્ણકાન્ત (કે.કે.)નીફિલ્મી સફરનાં સંભારણાનું અઢાર વરસોથી ઠેલાતું આવેલું લખાણ સંપાદિત થયું અને ગુઝરા હુઆ ઝમાનાના નામે પ્રકાશિત થયું. કેમ જાણે સિનેમાની શતાબ્દિના વરસમાં જ તેના પ્રકાશનનું નિમિત્ત ન ગોઠવાયું હોય!
આ તબક્કે બીજા એક યોગાનુયોગની વાત કરવી જરૂરી છે. તેની શરૂઆત જોતાં લાગે એ જરા આડે પાટે ફંટાઈ ગઈ છે, પણ યોગાનુયોગની લીલાનો અસલી પરચો અહીં જોવા મળે છે. 
અમદાવાદ સ્થિત મિત્ર ચંદ્રશેખર વૈદ્ય હાડોહાડ સંગીતપ્રેમી છે. પોતાનાથી બનતી કોઈ પણ મદદ કરવા તે સામે ચાલીને તૈયાર હોય. પણ એમની એક મોટી તકલીફ. આપણને કોઈ પણ વસ્તુ સામે ચાલીને આપે અને બદલામાં કશી અપેક્ષા પણ ન રાખે. 


ચંદ્રશેખર વૈદ્ય: આઈસ્ક્રીમપ્રેમી, સાહિત્યપ્રેમી,
સંગીતપ્રેમી, મિત્રપ્રેમી મિત્ર 
એક વખત તે અમદાવાદની એક રેસ્તોરાંમાં ભોજન માટે ગયા. એકલા હશે, એટલે પોતાની મસ્તીમાં જમતા હતા. અચાનક તેમની નજર થોડે દૂરના ટેબલ પર બેઠેલી એક વ્યક્તિ પર ગઈ. એક સન્નારી બેઠાં હતાં. ચહેરાનો અણસાર પરિચિત લાગ્યો, પણ હજી કંઈ યાદ આવતું નહોતું. અચાનક વીજળીનો ઝબકાર થાય એમ મનમાં ઝબકારો થયો. અરે! આ તો દક્ષા ભગવતભાઈ પટેલ. આવું આખું નામ તો પોતાની શાળાની સહાધ્યાયીનું હોય તો જ યાદ રહે ને! પણ વચ્ચે વરસો વીતી ગયાં હતાં. ચહેરા બદલાઈ ગયા હતા. માનો કે કદાચ આ એ ન હોય તો? એટલે ચંદ્રશેખરભાઈએ સલામત રસ્તો અપનાવ્યો. વેઈટરને બોલાવ્યો. એક પેપર નેપકીન પર સંદેશો લખ્યો અને 'પેલાં' મેડમને એ આપવા કહ્યું. વેઈટર ગયો, મેડમને તેણે પેપર નેપકીન આપીને 'પેલા ભાઈ' તરફ ઈશારો કર્યો. બસ, એ પછી તો 'તમે?તું?ક્યાં છે? શું કરે છે?' જેવા સવાલજવાબની આપ-લે થઈ અને વચ્ચે વીતી ગયેલો કેટલાય વરસોનો સમય ખરી પડ્યો. દક્ષા પટેલ હવે પરણ્યા પછી દક્ષા દેસાઈ બન્યાં હતાં. તેમનાં લગ્ન સુકેતુ દેસાઈ સાથે થયાં હતાં. બે-અઢી દાયકા અમેરિકામાં ગાળ્યા પછી હમણાં તે અમદાવાદમાં સ્થાયી થવા આવ્યાં હતાં. ચંદ્રશેખરભાઈ અને તેમનાં પત્ની આશાબેન એ પછી તો દક્ષા દેસાઈ અને સુકેતુ દેસાઈ પરિવારના અભિન્ન મિત્રો બની ગયાં. 


(ડાબેથી) સુકેતુ દેસાઈ, ચંદ્રશેખર વૈદ્ય, દક્ષા દેસાઈ,
(આગળ) આશા વૈદ્ય 
ધીમે ધીમે ખબર પડી કે દક્ષા દેસાઈ પોતે એક અત્યંત સફળ વ્યવસાયી મહિલા છે. અમેરિકામાં દીદીઝ નામે તેમની રેસ્તોરાં અત્યંત લોકપ્રિય અને સફળ છે. ભારતીય અને ગુજરાતી ભોજન માટે ભારતથી વિદેશ જનારા અનેક મહેમાનોમાં તે જાણીતી અને માનીતી બની રહી છે. તેમની સફળતાની કથા વિષે અમદાવાદના મિડીયાના મિત્રોને જાણ થઈ ત્યારે ઘણાએ તેમને એ કથાને પુસ્તકરૂપે લખવા અનુરોધ કર્યો. પણ દક્ષા દેસાઈએ દૃઢતાપૂર્વક એ નકાર્યો. શા માટે? તેમની દૃઢ માન્યતા અને આગ્રહ હતાં કે પોતાના કુટુંબમાં જે પ્રતાપી પૂર્વજ થઈ ગયા છે તેમની કથા પહેલાં પુસ્તકાકારે લખાવી જોઈએ અને પ્રકાશિત થવી જોઈએ. ત્યાર પછી બીજી વાત. કોણ હતા એ પ્રતાપી પૂર્વજ? 
એ પ્રતાપી પૂર્વજ એટલે 'સાગર મુવીટોન'વાળા ચીમનલાલ દેસાઈ. ચીમનલાલ દેસાઈના પાંચ પુત્રો પૈકીના સૌથી મોટા પુત્ર એટલે સુરેન્‍દ્ર દેસાઈ ઉર્ફે બુલબુલ દેસાઈ. અને સુરેન્‍દ્રભાઈના નાના પુત્ર એટલે સુકેતુ દેસાઈ, જેમની સાથે દક્ષાબેનનાં લગ્ન થયાં. 
દક્ષાબેનની ઈચ્છા ચીમનલાલ દેસાઈ તેમજ 'સાગર' પર સંશોધનાત્મક પુસ્તક લખાવવાની હતી. પણ આ કામ કોને સોંપી શકાય એ વિષે તેમને કંઈ અંદાજ નહોતો. તેમના મિત્ર ચંદ્રશેખર વૈદ્ય જૂના ફિલ્મસંગીતનો પોર્ટફોલિયો સંભાળે છે એવી તેમને ખબર હતી, એટલે તેમણે ચંદ્રશેખર વૈદ્યને આ અંગે પૂછાવ્યું. આમ, દક્ષા અને સુકેતુ દેસાઈ તેમજ મારી વચ્ચે ગોરકર્મ કરવામાં ચંદ્રશેખરભાઈ નિમિત્ત બન્યા. એક બપોરે અમારી પહેલી મુલાકાત યોજાઈ. 
                                                                      **** **** ****
હવે જુઓ યોગાનુયોગની લીલા. જે વ્યક્તિ વિષે, જે ફિલ્મકંપની વિષે માહિતી મેળવવા માટે અમે ક્યાંના ક્યાં ફાંફા મારતા હતા તેમના જ વારસદાર સાથે આવો પરિચય થશે એવી કલ્પના જ ન હોય! ચીમનલાલ વિષે થોડું ઘણું સાંભળ્યું હોય તો કે.કે. પાસેથી. કારણ કે.કે.એ પોતાની ફિલ્મકારકિર્દીનો આરંભ 'પૈગામ' ફિલ્મથી કરેલો, જેના દિગ્દર્શક હતા સુરેન્‍દ્ર ઉર્ફે બુલબુલ દેસાઈ એટલે કે સુકેતુ દેસાઈના પિતાજી. 
તો છેલ્લા દાયકામાં જેમની સાથે અમારે ઘરોબો થયેલો એવા સંગીતકાર અજિત મર્ચન્‍ટના પણ બુલબુલભાઈ ખાસ મિત્ર. અને સાગરની ગુજરાતી ફિલ્મ કરિયાવરમાં સંગીત પણ અજિતકાકાએ આપેલું. એટલે પરિચયના આ છેડા પણ સાગર સુધી લંબાતા હતા. એટલે 'સાગર' વિષે પુસ્તક લખવાનું થાય તો કેવો રોમાંચ થાય એ સમજી શકાય એમ છે. આ મુલાકાત થઈ હતી માર્ચ, ૨૦૧૨ની આસપાસ. અત્યારે શી સ્થિતિ છે? 
**** **** ****
આઠ-નવ મહિનાના વિશદ્‍ સંશોધન પછી સાગર ફિલ્મ કંપનીની કથા લખાવાનો આરંભ થઈ ગયો છે અને ધારણા એવી છે કે આ વરસમાં જ તે પ્રકાશિત થઈ જશે. આ પુસ્તક ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં કરવાનું આયોજન છે. મૂળ લખાણ ગુજરાતીમાં હશે, અને અંગ્રેજીમાં તેનો અનુવાદ. 
પહેલાં સાગર’, ત્યાર પછી નેશનલ અને પછી અમર પિક્ચર્સના ચીમનલાલ માલિક રહ્યા.
ચીમનલાલ દેસાઈના વતન આમોદ, તેમની આરંભિક કર્મભૂમિ ભરુચ, અને એ પછી મુંબઈ તથા બેંગ્લોરની મુલાકાત લીધી. સુદીર્ઘ ઈન્‍ટરવ્યૂ, અનેક સ્થળોની રૂબરૂ મુલાકાત, ફિલ્મ અને પરિવાર સાથે સંકળાયેલા અનેક લોકો સાથેની વાતચીતની સાથે ભાવસભર પુનર્મિલનનાં પણ સાક્ષી બનવાનું બન્યું. 

ફિલ્મ 'સરસ્વતીચંદ્ર' ના દિગ્દર્શક ગોવિંદ સરૈયા સાથે સુકેતુ દેસાઈ:
"તમારી સાથે ઝઘડવા આવ્યો છું. તમે મને તમારી એક ફિલ્મમાં
રોલ આપવાનું કહેલું, પણ આપ્યો નહોતો." 

શ્રીમતિ નીલમ અજિત મર્ચન્‍ટ સાથે સુકેતુ દેસાઈ:
"કાકી, યાદ છે ને હું મારા ફાધર સાથે આવેલો. અને અજિતકાકાએ
હારમોનિયમ પર 'કરિયાવર'નાં ગીતો સંભળાવેલાં?" 
એ રીતે એકઠી કરેલી વિગતોની સાથે સાથે ફિલ્મોના એ યુગનો અંદાજ મળી રહે એવી અનેક સામગ્રી પ્રાપ્ત થઈ છે.
આમ છતાં, હજી ઘણી કડીઓ ખૂટે છે. ખાસ કરીને ત્રીસી અને ચાલીસીના દાયકાનાં બે ઘડી મોજ’, મોજમજા’, વેણી’, પારસ જેવાં સામાયિકો કે અન્ય માહિતીસ્રોત હોય તો એ પણ ઘણા ઉપયોગી થઈ શકે. 
આ તબક્કે સિનેમાપ્રેમી અને સંગ્રાહકમિત્રોને વિનંતી સહિત અપીલ પણ કરું છું કે તેમની પાસે સાગર’, નેશનલ’, કે અમરની ફિલ્મો કે તેના કલાકારો અંગેની કોઈ પણ માહિતી હોય, ચીમનલાલ દેસાઈ વિષે કોઈ વિગત હોય, ત્રીસી કે ચાલીસીના દાયકાનાં ફિલ્મી સામાયિકો હોય તો મને bakothari@gmail.com પર જાણ કરે. તેમનો સંપર્ક કરીશું. એક વાર સંપર્ક થાય અને વાત થાય એટલે તે અંગેની વ્યવસ્થા પણ ગોઠવાશે. ફિલ્મોના આરંભિક ઈતિહાસની મહત્વની કડી જેવી સાગર ફિલ્મ કં.ના અધિકૃત ઈતિહાસનું આલેખન થઈ રહ્યું છે ત્યારે આ સહયોગ આવકારદાયક લેખાશે.
આ પુસ્તકનું પ્રકાશન પણ સિનેમાના શતાબ્દિ વરસમાં થઈ જાય એવા પ્રયત્નો છે. એમ થઈ શકે તો એ પ્રભાવી માધ્યમે આપણને જે સભરતા આપી છે,  એનું ઋણ કંઈક અંશે ફેડી શકાય. આ પુસ્તક તૈયાર થયાની વધામણી પણ અહીં જ આપવામાં આવશે. 

(પૂરક માહિતી: હરીશ રઘુવંશી, સુરત) 

7 comments:

  1. adbhut! adbhut!Manmohan Desaini film jevun!

    ReplyDelete
  2. સરસ, માહિતીપ્રદ લેખ...

    ReplyDelete
  3. ati sundar!!! aapana bhavya varsathi aagalni pedhine avagat karavavi atyant jaruri chhe. Thanks for doing such fabulous work!!!

    ReplyDelete
  4. જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં 1980-1985 આસપાસ 'ગુજરાતી ફિલ્મ કરિયાવર' નિર્માણ પામી હતી જેમાં રાજીવ અને તનુજાએ અભિનય કર્યો હતો. ફિલ્મમાં ઠીંગણા કોમેડિઅન ઇન્દ્ર પુરોહિતે પણ ભૂમિકા નિભાવી હતી. કમનસીબે આ ફિલ્મની કોઈ વિશેષ વિગતો મળતી નથી કોઇ પાસે વિગતો હોય તો જણાવવા કૃપા કરશોજી.
    - મહેન્દ્ર સંઘાણી, પત્રકાર, સુરત : 9722828552

    ReplyDelete
  5. ફેસબુક પર મારી profile જોઇ શકાશે

    ReplyDelete
  6. ઘણી સુંદર અને રોચક માહિતી

    ReplyDelete
  7. જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં 1980-1985 આસપાસ 'ગુજરાતી ફિલ્મ કરિયાવર' નિર્માણ પામી હતી જેમાં રાજીવ અને તનુજાએ અભિનય કર્યો હતો. ફિલ્મમાં ઠીંગણા કોમેડિઅન ઇન્દ્ર પુરોહિતે પણ ભૂમિકા નિભાવી હતી. કમનસીબે આ ફિલ્મની કોઈ વિશેષ વિગતો મળતી નથી કોઇ પાસે વિગતો હોય તો જણાવવા કૃપા કરશોજી.
    - મહેન્દ્ર સંઘાણી, પત્રકાર, સુરત

    ReplyDelete