Saturday, August 20, 2016

જમાલ સેન: સંક્રાંતિકાળના સંગીતકાર (૨)



- ડૉ. યોગેશ પુરોહિત 

(ધૂમકેતુની જેમ હિન્‍દી ફિલ્મસંગીતના આકાશમાં પ્રકાશ પાથરી જનારા સંગીતકાર જમાલ સેનના પ્રદાનનો આછેરો પરિચય આ અગાઉની પોસ્ટ દિલ ખીંચા જા રહા હૈ હમારા માં મેળવ્યો. હકીકતમાં એ પોસ્ટ ડૉ. યોગેશ પુરોહિતના આ લેખની પૂર્વભૂમિકારૂપે લખવાનો આશય હતો. તેને બદલે એ આખો પૂર્ણ લંબાઈનો લેખ બની ગયો. વડીલમિત્ર ડો. યોગેશ પુરોહિત એક તબક્કે જમાલ સેન સાથે સંપર્કમાં હતા. તેમણે એ સ્મૃતિઓને કાગળ પર ઉતારી આપી છે. પ્રસ્તુત છે યોગેશભાઈનો એ લેખ અને સાથે જમાલ સેનનાં થોડાં અન્ય ગીતોની મહેફિલ.) 

"ફિલ્મ ક્ષેત્રની આજની રફ્તાર જોતાં થોડા વર્ષો પછી શંકર-જયકિશન અને નૌશાદની પણ ઓળખાણ આપવી પડે એવા દિવસો આવશે. જાયન્‍ટ વ્હીલ જેવી આ રફ્તારમાં ચહેરાઓ એટલી ઝડપથી બદલાય છે કે આજની પેઢી તેના પોતાના સમયમાં જોયેલા-સાંભળેલા ચહેરાઓને પણ યાદ રાખવાની મથામણ કરતી લાગે. આવા માહોલમાં કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન પૂછે, જમાલ સેન કોણ હતા?’ તો જવાબમાં અકબરના નવ રત્નોમાંનું એક રત્ન આવી શકે. જમાલ સેનના નામ અને કામથી પરિચીતછે તેમના માટે આ જવાબ અર્ધસત્ય છે, કારણ કે, અકબરના દરબારનું નહીં, પણ આપણા હિન્‍દી ફિલ્મોના સંગીતના ઈતિહાસનું પચાસના દાયકાનું સંગીતરત્ન તેઓ જરૂર હતા.
પણ રત્ન ક્યારેક આપણને અનાયાસે, સહેલાઈથી મળી જાય અને આપણે તેને પારખી ન શકીએ તો? કંઈક આવી જ સ્થિતિ શરૂઆતમાં મારી થયેલી.

વર્ષ ૧૯૫૯-૬૦માં બી.એ.નું પહેલું વર્ષ મેં નવસારીની ગાર્ડા કૉલેજમાંથી પાસ કર્યું. ત્યાર પછી મુંબઈમાં તિલક વિદ્યામંડળ સંચાલિત, પાર્લે (પૂર્વ) કૉલેજમાં ઈન્‍ટર આર્ટ્સમાં જોડાયો. મારા મોટાભાઈ મુંબઈમાં વકીલ હતા અને બોરીવલી (પશ્ચિમ)માં મંડપેશ્વર રોડ પર આવેલી વિઠ્ઠલ નિકેતન ચાલમાં બ્લૉક નં. 3માં રહેતા હતા. હું તેમની સાથે રહેવા લાગ્યો. પણ બોરીવલીમાં સમય પસાર કરવા શું કરવું એ સૌથી મોટી સમસ્યા હતી. બોરીવલી ત્યારે થાણા જિલ્લામાં હતું અને તે ગામડું ગણાતું. ગ્રેટર મુંબઈ ત્યારે અંધેરી સુધી હતું અને જોગેશ્વરી-બોરીવલી વચ્ચે ઘોડબંદર રોડ-આજના સ્વામી વિવેકાનંદ રોડ પર ખાનગી બસ ચાલતી.  ચોમાસામાં તેનાં વ્હીલ ગટરમાં ફસાઈ જતાં હોવાથી આ અરસામાં તે મોટે ભાગે બંધ રહેતી. તેથી બહાર નીકળી શકાતું નહીં.
આવા સંજોગોમાં આશાનું એક કિરણ ફૂટ્યું. ત્યારે ક્યાં ખબર હતી કે એ સ્થિતિ છીંડું શોધતાં લાધી પોળ જેવી થવાની હતી. મારાં ભાભીએ મને સમાચાર આપ્યા કે મારા વતન રાજપીપલાનો એક પરિવાર- મહેશ પાઠકનો પરિવાર બોરીવલી (પશ્ચિમ)માં જ, સ્ટેશન પાસે જાંબલી ગલીમાં, ભટ્ટ ચાલમાં રહેતો હતો. મહેશભાઈનો દીકરો રોહિત ક્યારેક વેકેશનમાં રાજપીપલા આવતો. તેથી એને હું ઓળખતો. ઑગસ્ટ આવતાં સુધીમાં મેં રોહિતને શોધી કાઢ્યો. આ અર્થમાં મુંબઈ ત્યારે પણ આજના જેવું જ હતું. સવારના સાતથી રાતના નવ-દસ સુધી મુંબઈમાં સ્ત્રીઓ-બાળકો સિવાય કોઈ પોતાના ઘરે ન મળે.
રોહિત પાક્કો મુંબઈગરો હતો. ડ્રાફ્ટ્સમેનનો અભ્યાસ કરવાની સાથેસાથે, બાકીના સમયમાં તે છાપાં-મેગેઝીન વેચવાનો તેમજ મકાન લે-એચ તેમજ ભાડે આપવા જેવા કામમાં દલાલીનું કામ કરતો. પોતાની પ્રવૃત્તિમાં તે હંમેશાં વ્યસ્ત રહેતો. તેણે મને પાર્ટ ટાઈમ નોકરીધંધો શોધી લેવાની તેમજ મરાઠી શીખી લેવાની સલાહ આપી. મારા માટે એ શક્ય ન હતું. આથી તેણે બીજા વિકલ્પ તરીકે ફિલ્મલાઈનની મારી રુચિ વિષે પૂછ્યું. મુંબઈમાં નવાસવા આવનારાઓ માટે એ એક સ્વાભાવિક આકર્ષણ રહેતું. ફિલ્મનું શૂટિંગ જોવુ અને ફિલ્મી સિતારાઓને રૂબરૂ જોવા કે મળવાના પ્રયત્ન કરવા. જો કે, મારી રુચિ એ બાબતમાં નહોતી. મને સંગીતનો શોખ હતો. મેં રોહિતને મારા સંગીતના શોખ વિષે જાણ કરી. આ સાંભળીને તરત જ એ બોલી ઉઠ્યો, અરે! તો બોલતો શું નથી? આ રવિવારે જ તને જમાલ સેન સાથે મેળવી દઉં. મેં સાવ ભોળપણથી પૂછ્યું, જમાલ સેન? એ કોણ?’ રોહિતે તરત કહ્યું, અરે! એ ફિલ્મના સંગીતકાર છે. આ સાંભળીને મને બહુ નવાઈ લાગી. ફિલ્મના સંગીતકાર અને એ પન બોરીવલી જેવા ગામડામાં રહે? રોહિતે ફોડ પાડતાં કહ્યું, મુંબઈમાં ભલભલી હસ્તીઓ એવી જગ્યાએ રહેતી હોય છે કે તેમના પોસ્ટલ સરનામાથી તેમના વિસ્તારનો અંદાજ ન આવે.
આવી ઘણી બાબતોમાં મારી જ્ઞાનવૃદ્ધિ થઈ હતી. રોહિતે અને મેં એક દિવસ જમાલ સેનને મળવા જવાનું નક્કી કર્યું. અને એક દિવસે અમે ઉપડ્યા. તારીખ મને યાદ નથી, પણ એ બરાબર યાદ છે કે રવિવારનો દિવસ હતો.
બોરીવલી (પશ્ચિમ)માં રેલ્વે સ્ટેશન પાસે, ઘોડબંદર રોડ પર આવેલી જયા ટૉકીઝ આવેલી હતી. તેની ઉપરની ટેરેસ પર વીસ બાય પચીસ ફીટની એક ઓરડી હતી. જમાલ સેનનું એ નિવાસસ્થાન. આટલી ઓરડીમાં તેમનો આખો પરિવાર રહેતો હતો. ભાઈ-ભત્રીજા તેમજ દીકરાઓ.
ઓરડીના એક ખૂણે એક સ્ટવ પડેલો દેખાયો. ત્યાં રસોઈના થોડાં વાસણો અને પાણી ભરેલું માટલું રૂમનો એ ભાગ રસોડા તરીકે વપરાતો હોવાનું સૂચવતું હતું. બીજા ખૂણામાં સૂવા-પાથરવાનો સામાન દર્શાવતું હતું કે એ ભાગ રાત્રે બેડરૂમ બની જતો હશે. આ સિવાયની જગ્યામાં સંગીતનો સામાન પથરાયેલો હતો, જે આ પરિવારનો સંગીત સાથેનો સંબંધ બતાવતો હતો. અત્યાર સુધી મેં જોયેલા ઘરની વ્યાખ્યામાં આ સ્થળ કેમે કરીને બેસતું નહોતું. અને એવી જગ્યામાં આ સંગીતકાર પોતાના બહોળા પરિવાર સાથે રહેતા હતા.
અમે ગયા ત્યારે જમાલ સેન ઘેર જ હતા. તેમણે અમને આવકાર આપ્યો. સાડા પાંચ ફીટની ઉંચાઈ, રાજસ્થાની ઢબનું ધોતિયું અને ઉપર ઝભ્ભો, મોટી ભરાવદાર કાળી આંખો, વિશાળ કપાળ, આછા વાળ, ભરાવદાર મૂછો અને સતત તમાકુવાળું પાન ખાતા હોય એવા હોઠ અને દાંત. તેમનો અવાજ પણ કાળી બેનો સા પકડીને બોલતા હોય એવી પીચનો, થોડો ઘેરો લાગે એવો. વહેવાર-વર્તનમાં નખશીખ રાજસ્થાની શાલીનતા. સામા માણસને આંજી નાંખવાનો કોઈ પ્રયાસ નહીં અને વાતે વાતે હમારે જમાને મેં જેવો કોઈ તકિયા-કલામ નહીં.
આ મારા પર પડેલી તેમની પહેલી છાપ, જે હજી આજ સુધી જળવાઈ રહી છે.
એ દિવસે પણ ઘણી વાતો કરી અને અમે છૂટા પડ્યા. મારે જમાલ સેન સાથે પરિચય થઈ ગયો અને મેં તેમનું ઘર જોઈ લીધું એટલે રોહિતની ભૂમિકા પૂરી થઈ અને તે વચ્ચેથી ખસી ગયો.
ત્યાર પછી લગભગ રોજ સાંજે તેમને ત્યાં જવાનો મારો નિયમ બની ગયો. જમાલ સેન ઘેર હોય તો તેમની સાથે બેસવાનું અને તેમની વાતો સાંભળવાની.
ઘરમાં જમાલ સેન પોતાના દીકરાઓ- શંભુ સેન, દિલીપ સેન, મદન સેન અને નિહાલ સેન તેમજ ભાઈ દીપક સેનના દીકરાઓ માનસેન તથા તાનસેન સાથે રહેતા હતા. ઘરનો વિસ્તાર એવો અને એટલો હતો કે આ બધાને કદી એક સાથે મળી જ ન શકાય. હું જાઉં અને જમાલ સેન ઘેર ન હોય તો હું જે પણ ઘેર હોય તેમની સાથે બેસતો, ગપાટા મારતો અને હારમોનિયમ તેમજ તબલાં વગાડવાનો મારો શોખ પૂરો કરતો.
આવા ક્રમમાં એક સાંજે હું તેમને મળવા ગયો. તેઓ ફર્શ પર બેસીને ચા પી રહ્યા હતા. મને પણ ચા માટે તેમણે આગ્રહ કર્યો. મને ચાની આદત ન હતી, એટલે મેં ના પાડી. મારી ના સાંભળીને તેમને એમ લાગ્યું કે હું તેમને મુસ્લિમ સમજી રહ્યો છું અને એ કારણે કશું ખાવાપીવાનો ઈન્‍કાર કરું છું. તેમણે હસીને કહ્યું, પુરોહિતજી, હમારે નામ પે મત જાઓ. હમ ભી રાજસ્થાન કે હિંદુ હૈ. આપ યહાં સે કોઈ ગલત બાત નહીં સિખોગે. મહામુસીબતે મેં તેમને સમજાવ્યું કે મને ચાનું વ્યસન નથી એ કારણે હું ના પાડું છું.
તેમના એક પૂર્વજ કેસરજી રાજસ્થાનના સુજાનગઢના વતની હતા અને તેઓ તાનસેનના શિષ્ય હતા. તેને કારણે તેઓ કેસર સેન તરીકે ઓળખાયા. આમ, સંગીત આ ખાનદાનની પરંપરા હતું. જમાલ સેનના પિતાજી જીવણ સેન પણ દરબારી ગવૈયા હતા. જમાલ સેન પોતે ગાઈ શકતા તેમજ અનેક વાદ્યો વગાડી શકતા. ખાસ કરીને ઢોલક, તબલાં અને પખાવજ પર તેમની ગજબ હથોટી હતી. (સપના બન સાજન આયેનો આરંભિક ટુકડો સાંભળવાથી આ બાબતનો ખ્યાલ આવશે.)
અમારી આવી એક બેઠકમાં તેમને મેં વિનંતી કરી, મારે તબલાં શીખવાં છે. તેમણે મને તરત જ તબલાં પર બેસવા કહ્યું. મેં તબલાં પર હાથ અજમાવ્યો એ સાંભળીને તેમણે થોડી મિનીટોમાં જ કહ્યું, પુરોહિતજી, આપ કે બાંયે હાથ કી તાકત કમ પડતી હૈ. આપ તબલા નહીં બજા પાઓગે. ઐસા કરો, આપ કોઈ ગાના સુનાઓ.  મેં બૈજુ બાવરાનું મારું મનપસંદ ગીત મન તરપત હરિદર્શન કો આજ ગાયું. એ સાંભળીને તેમણે કહ્યું, આપ કી આવાજ કાફી અચ્છી હૈ. સૂર-તાલ કે સાથ ગાના સીખ લો, તો મૈં આપ કો ઑલ ઈન્‍ડીયા રેડિયો પર ચાન્‍સ દીલવા સકતા હૂં. પછી બોલ્યા, ફિલ્મ ઈન્‍ડસ્ટ્રી મેં તો અભી હમારા કોઈ વજન નહીં રહા. જબ હમારા સમય થા તબ લતાજી જૈસી આર્ટિસ્ટ કો ભી હમને રિયાઝ કરવાયા હૈ. હમારે રાષ્ટ્રગાન વંદે માતરમ કી તર્જ ભી હમને બનાઈ હૈ. આ સાંભળીને મેં તેમને પૂછ્યું, તો અભી આપ ક્યા કરતે હૈ?’ મારા સવાલના જવાબમાં તેમણે હારમોનિયમ હાથમાં લીધું. શંભુ સેનને તબલાં પર સંગત કરવા કહ્યું. ત્રણ-ચાર ખૂબ સુંદર તરજ તેમણે મને સંભળાવી. પછી બોલ્યા, હમ ઈસ તરહ કી તર્જેં બનાકર આજ કે દૌર કે સંગીતકારોં કો દે દેતે હૈ ઔર કોઈ કોઈ કો મ્યુઝીક અરેન્‍જ કરને મેં મદદ કરતે હૈં. ખુશકિસ્મતી સે ઑલ ઈન્‍ડિયા રેડિયો પર અભી ભી હમારા નામ હૈ, તો ગુજારા હો જાતા હૈ.
તેમની આ વાત ત્યારે હું અડધીપડધી સમજી શક્યો હતો, પણ તેની તીવ્રતા મોડે મોડે સમજાઈ. અમારી મુલાકાતો થતી રહેતી.


એક વખત તેમણે મને કહ્યું, પુરોહિતજી, આપ થોડે દિન કે લિયે કાલેજ સે છુટ્ટી લે લીજીયે. હમ એક મ્યુઝીકલ નાઈટ કા પ્રોગ્રામ- મેલડી ઑફ રાજસ્થાન- બિરલા માતુશ્રીમેં રખતે હૈં. હમેં કુછ લોગોં કો ઈન્‍વાઈટ કરને જાના પડેગા. આ કાર્યક્રમ ફિલ્મજગતના લોકોને આપવા માટે હું તેમની સાથે ફર્યો. અમે સંગીતકાર અનીલ બિશ્વાસ અને ગાયિકા મીના કપૂર, સંગીતકાર રવિ, ત્યારે નવોદિત ગણાતા ગાયક મહેન્‍દ્ર કપૂર તેમજ સુમન કલ્યાણપુરને આમંત્રણ આપવા માટે તેમને ઘેર ગયા હતા.
એ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો.
કાર્યક્રમના થોડા દિવસ પછી તેમણે મને પૂછ્યું, પુરોહિતજી, આપ ગુજરાત મેં હમારા ઐસા પ્રોગ્રામ રખવા સકતે હૈ?’ હું ત્યારે વિદ્યાર્થી હતો અને મારા માટે એ ગજા બહારની વાત હતી. આવા કાર્યક્રમ માટે સ્પોન્‍સરર્સ શોધવા પડે અને તેના માટે સંપર્કો જોઈએ. તેના માટે હું બહુ નાનો પડું. મેં તેમને આ હકીકત જણાવી.
જમાલ સેનના મનમાં કદાચ ઘણું બધું ચાલતું હશે. મારી વાર્ષિક પરીક્ષાને થોડા દિવસો બાકી હતા ત્યારે એક દિવસ તેમણે મને પૂછ્યું, પુરોહિતજી, આપ મેરે લિયે હિન્‍દી મેં લિખેંગે?’ મારા માટે ના પાડવાનો કોઈ સવાલ ન હતો. મારી પરીક્ષા પતે પછી મેં એ માટે પ્રયત્ન કરવા જણાવ્યું. તેમની ઈચ્છા ભારતીય સંગીતની ઉત્પતિ અને ઉત્ક્રાંતિ વિષે લખવાની હતી. પરીક્ષા પછી અમે એ કાર્યક્રમ આરંભ્યો. જો કે, મને બહુ ઝડપથી સમજાઈ ગયું કે આમ કરાવવા પાછળ તેમની ભારતીય સંગીત પ્રત્યેની લાગણી અને અહોભાવ વધુ જવાબદાર છે. આ વિષય પર તેમનું વિશેષ વાંચન કે પૂરતી માહિતી નથી. તેમના વિચારો પણ સુગ્રથિત ન હતા. લખાવતી વખતે થતી વાતોમાં કેટલીય વાર વિષયાંતર થઈ જતું. તેમનો ઝોક સંગીત કરતાં વધુ સંગીતકારો તરફ વધુ રહેતો. તેઓ કહેતા, સંગીતકાર વો હોતા હૈ, જો સંગીત કો પ્રગટ કરતા હૈ. ગીત-સંગીત કે માધ્યમ સે સુનનેવાલોં કો દૂસરી દુનિયા કી અનુભૂતિ કરવાતા હૈ.
મને લાગે છે કે આ જ વાત તેમને પોતાને પણ લાગુ પડતી હતી. બદલાતા સમય મુજબના સંગીતની માંગ સાથે તેઓ કદાચ પોતાને અનુકૂળ કરી શક્યા નહીં. ગીતના શબ્દો- તેના ભાવાર્થ મુજબની તરજ અને એ માટે જરૂરી હોય એટલાં જ વાદ્યોનો ઉપયોગ કરવાની તેમની ખાસિયત હતી. તેને બદલે માત્ર રીધમકેન્‍દ્રી, ઓરકેસ્ટ્રા ખડકી દેવાનું વલણ ગીતોમાં ચલણી બન્યું. જમાલ સેનનું મનોવલણ એવું ન હતું. ૧૯૬૦ પછી ફિલ્મસંગીતની ઝડપથી બદલાતી જતી તરાહના સંક્રાંતિકાળમાં જમાલ સેન જેવા સંગીતકારો બહુ ઝડપથી ભૂલાતા ગયા. ૧૨ એપ્રિલ, ૧૯૭૯ના રોજ તેમનું અવસાન થયું. તેમના ચાર પુત્રો શંભુ સેન, દિલીપ સેન, મદન સેન અને નિહાલ સેન હતા, જેમાંથી મદન સેનનું માત્ર ચાલીસ વર્ષની વયે જમાલ સેનની હયાતિમાં જ અવસાન થયું.
જમાલ સેન સાથે કરેલી બેઠકોની હવે માત્ર યાદ રહી ગઈ છે. ત્યારે કેમેરા નહોતા કે નહોતી એવી સમજ કે આ બધું કોઈક રીતે જાળવી લઈએ. તેથી જમાલ સેન હવે કેવળ સ્મૃતિમાં રહી ગયા છે અને તેમનાં મર્યાદિત ગીતો દ્વારા તેમની સ્મૃતિ જળવાઈ રહી છે." 

**** **** ****

જમાલ સેને સંગીતબદ્ધ કરેલી ફિલ્મો આ મુજબ છે.

  1. શોખિયાં(૧૯૫૧, કુલ ૮ ગીતો)
  2. દાયરા (૧૯૫૩, કુલ ૮ ગીતો)
  3. ધર્મપત્ની (૧૯૫૩, કુલ ૬ ગીતો)
  4. રંગીલા (૧૯૫૩, કુલ ૧૧ ગીતો)
  5. કસ્તૂરી (૧૯૫૪, કુલ ૯ ગીતોમાંથી ૩ ગીતો જમાલ સેનનાં, બાકીનાં પંકજ મલ્લિકનાં)
  6. પતિત પાવન (૧૯૫૫, કુલ ૮ ગીતો)
  7. અમર શહીદ (૧૯૬૦, કુલ ૧૦ ગીતો)
  8. બગદાદ (૧૯૬૧, કુલ ૮ ગીતો)
  9. આલ્હા ઉદલ (૧૯૬૨, કુલ ૭ ગીતો)
  10. મનચલી (૧૯૬૨, લગભગ ૩ ગીતો- વધુ ગીત હોઈ શકે.)

-     ફિલ્મ ઋતુવિહારનાં ગીતો ૧૯૫૪માં રેકોર્ડ થયાં હતાં, પણ ફિલ્મ સેન્‍સર થઈ ન હતી.
-     પહલા કદમ(૧૯૮૦)માં લેવાયેલું ગીત બીતા હુઆ એક સાવન અસલમાં શોખિયાં (૧૯૫૧) માટે રેકોર્ડ કરવામાં આવેલું. પણ તેમાં એ ન લેવાયું અને ત્રણ દાયકા પછી કેદાર શર્માએ પહલા કદમમાં તેનો ઉપયોગ કર્યો.
-     ભોજપુરી ફિલ્મ નાગપંચમી (૧૯૬૪) અને છત્તીસગઢી ફિલ્મ ઘરદ્વાર  (૧૯૭૧)માં પણ તેમણે સંગીત આપેલું.

(ફિલ્મોગ્રાફી સૌજન્ય:હરીશ રઘુવંશી, સુરત)
**** **** ****


અહીં પ્રસ્તુત છે જમાલ સેનનાં સંગીતબદ્ધ કરેલાં થોડાં વધુ ગીતો. 

આ ક્લીપમાં કેદાર શર્મા પોતે જમાલ સેનને કેવી રીતે ફિલ્મમાં તક આપી તેની વાત કરે છે. 



'શોખિયાં' (૧૯૫૧) નાં કેટલાંક ગીતો. 
લતા અને પ્રમોદિની દેસાઈએ ગાયેલું 'આઈ બરખા બહાર'. 

સુરૈયા અને લતાએ ગાયેલું 'ઓ દૂર દેશ સે આ જા રે'.


'આઓ સજન નયન મેં' સુરૈયાએ ગાયેલું છે. 


'રણ મેં ગરજે કેસરી' સુરૈયા અને સાથીઓએ ગાયું છે. 


સુરૈયાએ ગાયેલું 'આધી આધી રાત ઢોલા.' 

'દાયરા' (૧૯૫૩) નાં કેટલાંક ગીતો. નવાઈ લાગે એવી વાત છે કે 'મહલ'ની સફળતામાં લતા મંગેશકરનાં ગીતો 'આયેગા આનેવાલા' અને 'મુશ્કિલ હૈ બહુત મુશ્કિલ'નું પ્રચંડ પ્રદાન હોવા છતાં નિર્માતા-નિર્દેશક કમાલ અમરોહીએ 'દાયરા'માં લતાનું એક પણ લેવાનો દુરાગ્રહ રાખ્યો નહીં. તમામ મહિલા સ્વર મુબારક બેગમ અને આશા ભોંસલેનો જ હતો.
'કહો ડોલા ઉતારે કહાર' આશા ભોંસલેએ ગાયું છે.



મુબારક બેગમે ગાયેલું 'સુનો મોરે નૈના'. 

તલત મહેમૂદે ગાયેલું 'આ ભી જા મેરી દુનિયા મેં' 


મુબારક બેગમે ગાયેલું 'દીપ કે સંગ જલૂં મૈં' 


'જલી જો શમા' મુબારક બેગમે ગાયું છે. 


'ધર્મપત્ની' (૧૯૫૩) નાં કેટલાંક ગીતો.

'રાત કૈસે કટી બતા ન સકે' મુબારક બેગમના અવાજમાં છે.

મધુબાલા ઝવેરીના સ્વરમાં 'પ્યાર કી નજરોં ને છેડા હૈ'. 


મધુબાલા ઝવેરીએ ગાયેલું ગીત 'નિર્મોહી સાજન આજા'. 

આ કોઈ ગીત નથી, પણ પશ્ચિમી સંગીતના કેટલાક ટુકડા છે. જમાલ સેન સામાન્ય રીતે ભારતીય સંગીત માટે જાણીતા છે, તેથી આ ટુકડાનું વિશેષ મહત્ત્વ છે.

'રંગીલા' (૧૯૫૩)નાં કેટલાંક ગીતો.
મ. રફી અને આશા ભોંસલેના સ્વરમાં 'દિલ આજ મેરા ગાને લગા'


મ. રફીના સ્વરમાં 'નાદાન ના બન' 

મ. રફી અને આશા ભોંસલેના સ્વરમાં 'મતવાલે નૈનોવાલે'. 



જમાલ સેનનાં ઘણાં બધાં ગીતો હવે યૂ ટ્યૂબ પર ઉપલબ્ધ છે. સંગીતપ્રેમીઓ આ પોસ્ટમાં આપેલી ફિલ્મોગ્રાફી પરથી તે શોધીને સાંભળી શકે છે. આ ઉપરાંત 'દાયરા', 'શોખિયાં', 'ધર્મપત્ની' જેવી આખેઆખી ફિલ્મો પણ યૂ ટ્યૂબ પર જોઈ શકાય છે. 

(નોંધ: તમામ તસવીરો, ગીતો નેટ પરથી) 

4 comments:

  1. પુરોહિતસાહેબની ઘડાયેલી કલમ સરસ છે. લેખ મઝાનો બન્યો છે. અભિનંદન બિરેનકુમાર અને ડો.યોગેશ પુરોહિતને.. મઝા આવી ગઈ.

    ReplyDelete
  2. બંને લેખ મળીને જમાલ સેનનું ખાસ્સુ એવુ ચિત્ર આપણી નજર સમક્ષ તૈયાર થઈ રહે છે.
    તેમનાં મહત્ત્વનાં કહી શકાય તેવાં ગીતો પણ એક સાથે સાંભળવા મળવાની જે સગવડ થઈ તે તો એ ચિત્રમાં મેઘધનુષી આભા ઉમેરે છે.

    ReplyDelete
  3. Fantastic
    Really very special
    Congrats to Dr Yogesh and Biren

    ReplyDelete
  4. આ પહેલાં બુલો સી રાની અને દાનસિંહ અને હવે જમાલ સેન જેવા અલ્પ પ્રસિધ્ધ સર્જકો વિષે અહીંથી આટલી માહિતી મળી એનાથી એવી આશા બંધાય છે કે આવનારા દિવસોમાં એસ.મોહીન્દર વિષે પણ વિગતે લેખ આવશે. બહાાર ઉભા છબછબિયાં કરનારાઓને હાથ પકડી, ડૂબકી ખવરાવવા માટે અભિનંદન અને આભાર.

    ReplyDelete