Sunday, December 18, 2016

એક નાનકડું વર્તુળ પૂરું થયાનો અહેસાસ


એક ચરિત્રકાર તરીકે વિવિધ લોકોના જીવનમાંથી કોઈ ને કોઈ પેટર્ન તારવવાની આદત પડી છે. એવી કોઈ પેટર્ન ખરેખર હોય છે કે નહીં, હોય તો તે ઉકેલી શકાય કે નહીં, ઉકેલી શકાય તો તેને બદલી શકાય કે નહીં, એવી કશી મને ખબર નથી. ઉદાહરણ દ્વારા કહેવું હોય તો કહી શકાય કે વાહન દ્વારા રસ્તો કાપીને અમુક મુકામે પહોંચ્યા પછી રસ્તા પર વાહનના ટાયર દ્વારા પડેલા આડાઅવળા લીટા (ચીલા)માં કોઈ ચોક્કસ આકાર શોધવાનો એ મનોયત્ન હોય છે, જે વાહનચાલકની જરાય સભાનતા વિના ઉપસ્યા હોય છે.
અહીં એક ચોક્કસ સંદર્ભે મને રાગ દરબારીનો એક કિસ્સો યાદ આવે છે. વૈદજીના મામૂલી સેવક એવા સનીચરને ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનું કહેવામાં આવે છે, ત્યારે આઘાતનો માર્યો એ બિચારો સચ્ચાઈથી બોલી ઉઠે છે, મૈં ઉસ લાયક કહાં?’ ત્યારે તેને કહેવામાં આવે છે, યહ સબ તુઝે જીતને કે બાદ બોલના હૈ.
જેમની જીવનકથા મેં વાંચી છે એમાંના મોટા ભાગના મહાનુભાવો પોતાની જીવનકથા લખવા માંગતા નહોતા, એમ તેઓ પોતાની જીવનકથામાં આરંભે જણાવી દેતા હોય છે. આથી ખરેખર તો મારી પોતાની જીવનકથા પ્રકાશિત થાય પછી મારે કહેવાનું થાય કે હું કદી મારી પોતાની જીવનકથા લખવા ઈચ્છતો નહોતો. હું ખરેખર તે લખવા માંગતો નથી. પણ હા, મારા જીવનની પેટર્ન વિષે કહી શકું. ગભરાશો નહીં, પેટર્નની આડમાં પણ નહીં લખું. મારા અત્યાર સુધીના જીવનની મુખ્ય પેટર્નમાંની એક છે વર્તુળોની સમાપ્તિ.
કોઈ એક સ્થાનેથી આપણે કોઈ દિશા કે માર્ગદર્શન વિના પ્રવાસનો આરંભ કરીએ, અને અનાયાસે અનેક મુકામો તેમાં આવતા જાય. તેમાં એક તબક્કો એવો આવે કે આપણને થાય કે વાહ! દેખીતો આડોઅવળો દેખાતો જીવનમાર્ગ ખરેખર એક સંપૂર્ણ વર્તુળ ફરીને પૂરો થયો છે. મારા જીવનમાં આવાં નાનાં નાનાં અનેક વર્તુળો અનાયાસે પૂરા થયા છે. તેમાં મારી કશી સિદ્ધિ નથી, કે નહોતો મારો એ તરફનો પ્રયત્ન. અને છતાં વર્તુળસમાપ્તિના એ તબક્કાનો અનહદ આનંદ અનુભવાયો છે. હજી મને ખબર નથી કે આને ખરેખર વર્તુળ પૂરું થયેલું ગણવું કે નહીં. છતાં આ તબક્કે અહેસાસ એવો જ છે. આવા એક નાનકડા, પૂરા થયેલા વર્તુળની વાત અહીં કરવી છે.
**** **** ****

'શબ્દવેધ' કટારનો એક લેખ 
આશરે ૧૯૯૩-૯૪ થી રજનીકુમાર પંડ્યાની જન્મભૂમિ પ્રવાસીમાં પ્રકાશિત થતી કટાર શબ્દવેધનાં કટીંગ સાચવતો આવ્યો છું. પછીનાં વરસોમાં તેનું યોગ્ય વિભાજન કરીને યાદી પણ બનાવી. રજનીકુમાર સાથે ત્યારે પરિચય થઈ ગયેલો એટલે આ યાદીની એક નકલ તેમને પણ આપી રાખી હતી. આ યાદીનું વિભાજન અને ગોઠવણી એ રીતે કરેલાં કે કોઈ પણ લેખ ગણતરીની મિનીટોમાં મળી જાય. વિવિધ માહિતી માટે આ ફાઈલો ઘણી ખપમાં લાગતી. ધીમે ધીમે એવો તબક્કો આવી ગયો કે રજનીભાઈને મેં તેમના લેખો શોધવા બાબતે નિશ્ચિંત કરી દીધા. તે પોતાને જોઈતા લેખનું મને નામ કહે કે હું તેની નકલ મોકલી આપું.
કમ્પ્યુટર આવ્યા પછી આ કામ વધુ સરળ બન્યું. આ લેખો યોગ્ય રીતે ગોઠવવામાં કે તેનો ઉમેરો યાદીમાં કરવામાં પત્ની કામિની અને સંતાનો શચિ તેમજ ઈશાન પણ મહેમાનભૂમિકા ભજવી જતાં, બલ્કે આ લેખોને કાગળ પર ચોંટાડવાનું આખું કામ કામિનીએ જ પૂરું કરેલું. આ લેખોમાં અનેક પ્રકારો જોવા મળી શકે. વ્યક્તિચિત્રો, પુસ્તકપરિચય, પ્રસંગો, ક્યારેક વાર્તા અને સૌથી મોટો હિસ્સો વિવિધ વિસ્તારની, વિવિધ ક્ષેત્રે કાર્યરત સેવાસંસ્થાઓના પરિચયનો. 

'શબ્દવેધ'ના લેખોની કમ્પ્યુટરમાં બનાવેલી યાદીની એક ઝલક
રજનીભાઈ મૂળે વાર્તાકાર. આથી તેમનાં કોઈ પણ આલેખનોમાં વાર્તાત્મકતાનું પ્રાધાન્ય જોવા મળે. આને લઈને વાંચનારને તે જકડી રાખનારું બની રહે. પોતાની ઝબકાર કટારમાં તેમણે આ રીતે વ્યક્તિચિત્રો અને સંસ્થાઓની કથાઓ લખવાની શરૂ કરી એ સાથે જ તે ગજબ લોકપ્રિય બની ગઈ. જાતમુલાકાત લઈને લખાતા સંસ્થાપરિચયો એવી સંવેદનાથી તેઓ આલેખતા કે વાંચનારનાં હૈયાં ભીંજાઈ જાય. અનેકાનેક સંસ્થાઓને તેમની કલમે ટેકો કર્યો. આવા કેટલાક લેખો તેમનાં વિવિધ પુસ્તકોમાં છૂટાંછવાયાં છે. પણ સંસ્થાવિષયક લેખોનું જ આખેઆખું પુસ્તક હોય એવું બન્યું નથી.
સેવાપ્રવૃત્તિ કરવા ઈચ્છનારા અનેક લોકો રજનીકુમારના લેખોની ઝેરોક્સ કઢાવીને મિત્રોને વહેંચતા હતા. કેટલાક સ્નેહીઓએ પુસ્તક પ્રકાશિત કરવા અંગે વિચારણા કરી હતી, પણ ટેકનીકલ કારણોસર એ વાત પડતી મૂકાઈ હતી. આમાંની ઘટનાઓનો હું સાક્ષી હોઉં, કાં મને તેની જાણ હોય. તેથી મનમાં થાય કે આ કામ થવું જોઈએ. પણ એ કરે કોણ?
**** **** ****

રજનીભાઈએ કચ્છના માંડવી ખાતે જઈને, ત્યાં રહીને વિવેકાનંદ રીસર્ચ એન્‍ડ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટની પરિચયપુસ્તિકા લખી હતી. વી.આર.ટી.આઈ. સાથેનો તેમનો નાતો ત્યારથી ગાઢ બન્યો હતો. વિવેકગ્રામ પ્રકાશનના ગોરધનભાઈ પટેલ કવિએ રજનીભાઈ સમક્ષ પુસ્તકનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે ખાસ નવાઈ નહોતી લાગી. નવાઈ એ વાતની લાગી હતી કે તેમની જરૂરત એકદમ સ્પષ્ટ હતી. રજનીભાઈએ લખેલા સેવાસંસ્થાઓ વિશેના ચુનંદા લેખો તેઓ પુસ્તકરૂપે પ્રકાશિત કરવા ઈચ્છતા હતા. ઘણા વરસોથી ઠેલાતું રહેલું આ કામ આમ અનાયાસે સાકાર થતું લાગે એનો રોમાંચ ઓર હોય! પણ વધુ રોમાંચ ત્યારે થયો કે આ પુસ્તક માટેના લેખોનું સંપાદન મને સોંપવું જોઈએ એમ રજનીભાઈએ ગોરધનભાઈને સૂચવ્યું. કારણ એટલું જ કે મારી પાસે તેમના મોટા ભાગના લેખો વિભાગવાર સચવાયેલા હતા. તેમાંથી પસંદગી કરવાનું કામ એ રીતે ઓછું અઘરું બની રહેતું હતું. ગોરધનભાઈ તત્ક્ષણ સંમત થઈ ગયા અને એ રીતે આ પુસ્તકના સંપાદનનું કામ મારે ફાળે આવ્યું. તેનું નામ પણ સેવાની સરવાણી સર્વસંમતિથી નક્કી થઈ ગયું.આ સંપાદનમાં અમે કયો ઉપક્રમ રાખ્યો તેની વાતથી લઈને કઈ કઈ સંસ્થાઓને લાભાન્વિત થઈ, આ પ્રકારનાં આલેખનો માટે તેમને કયાં કયાં માન-સન્માન મળ્યાં એ બધી વાતો આ પુસ્તકની મારી કેફિયતમાં વિગતે લખેલી છે. તેથી સેવાની સરવાણીના સંપાદકીય લખાણ તરીકે પુસ્તક માટે મેં લખેલી કેફિયત અહીં ઉતારું છું.

તરસ્યા અને તળાવના સંગમરૂપ બની રહેવાની
ક્ષમતા ધરાવતું પુસ્તક 

ભાવક-વાચક તરીકે સંઘરેલા પ્રિય લેખકના લેખોની મૂડીના આધારે એ પ્રકારના લેખોનું સંપાદન પુસ્તકરૂપે કરવાની તક પ્રાપ્ત થાય ત્યારે એક નાનકડું વર્તુળ પૂર્ણ થયાનો સંતોષ અનુભવાય છે.

સેવાની સરવાણીના પ્રાગટ્યપ્રસંગે
રજનીકુમાર પંડ્યા મારા અતિ પ્રિય વાર્તાકાર- લેખક, અને હવે તો આત્મીય સ્વજન બની રહ્યા છે. મારી લગભગ ચોવીસ-પચીસની ઉંમરથી તેમનાં તમામ પ્રકારનાં લખાણો નિયમીતપણે વાંચતો-સંઘરતો આવ્યો છું. પંદરેક વર્ષથી તેમની સાથે લેખનમાં સક્રિયપણે સંકળાયો છું અને છેલ્લા દસેક વર્ષથી પૂર્ણ સમયના લેખક, ખાસ તો ચરિત્રકાર તરીકેની કારકિર્દી સ્વીકારી તેની પાછળ પણ તેમની ભૂમિકા મહત્ત્વની રહી છે.
આથી રજનીકુમારનાં સંસ્થાવિષયક લખાણોના સંપાદનનો પ્રસ્તાવ આવ્યો ત્યારે મેં એ તત્ક્ષણ સ્વીકારી લીધો, કેમ કે, તેમનાં મોટા ભાગનાં લખાણોથી હું પરિચીત હતો. પરસ્પર ચર્ચા પછી અમે સંપાદનમાં એ ઉપક્રમ રાખવાનું વિચાર્યું કે બને તેટલા વૈવિધ્યસભર ક્ષેત્રોમાં કામ કરતી હોય એવી સંસ્થાઓ વિષેનાં લખાણ આ શ્રેણીનાં દરેક પુસ્તકમાં હોવાં જોઈએ.
આજના માહિતીના પ્રચંડ વિસ્ફોટના યુગમાં પણ ઘણાં ક્ષેત્રો-સંસ્થાઓ એવાં છે કે જેમના વિષે ભાગ્યે જ કશું લખાયું હોય. રજનીકુમારે આવી ખૂણેખાંચરે કામ કરતી સંસ્થાઓની જાતમુલાકાત લઈને, ત્યાં પૂરતો સમય ગાળીને તેના વિષે લેખો લખ્યા છે. જરૂર પડ્યે તેના સંચાલકોને મહત્ત્વનાં સૂચનો કર્યાં છે અને પરોપકારના કાર્યમાં દાન આપવા તત્પર અનેક દાતાઓને તેમનાં નાણાં સન્માર્ગે વાપરવાની પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રેરણા આપી છે. આવી કેટલીક સંસ્થાઓમાં તેમની સાથે મને પણ જવાની તક મળી છે, તેમજ તેમના આવા લેખો વાંચીને જ અનેક સંસ્થાઓને મળેલી સહાયનાં સુખદ પરિણામ મેં જાતે જોયા છે. સાવ ઉભડકપણે યાદ કરું તો પણ કેટલી બધી સંસ્થાઓનાં નામ તરત હોઠે આવે છે! આજે વિશ્વપ્રસિદ્ધ બનેલા ગોરજના મુનિ સેવા આશ્રમના આરંભથી જ રજનીકુમારે તેના વિષે લખવાનું શરૂ કર્યું હતું અને આ આશ્રમને આજના સ્થાને પહોંચાડવામાં પાયારૂપ કામ તેમની કલમ દ્વારા થયું છે. એ જ રીતે મેઘરજ સેવા મંડળ તેમજ રાજેન્દ્રનગરના સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ વિષે પણ તેમણે શરૂઆતથી કલમ ચલાવી છે. વડોદરા નજીક સિંધરોટમાં શ્રમમંદીર, મેઘરજ જેવા સાવ છેવાડાના અને અછતગ્રસ્ત વિસ્તારમાં કાર્યરત જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ, ચીખલી પાસેના કુકેરી ગામનું માલવી એજ્યુકેશન ટ્રસ્ટ, ઉપલેટા પાસેના મૂરખડા ગામે આવેલું સખ્ય’, પોરબંદર પાસેના ઘુનડામાં કામ કરતું ભગવાન સત્સંગ સાગર ફાઉન્ડેશન, સિદ્ધપુર નજીકના સેદ્રાણાનું મંગલ જીવન ટ્રસ્ટ, અમીરગઢનું સર્જન ફાઉન્ડેશન જેવી અનેક સંસ્થાઓ તેમની કલમથી લાભાન્‍વિત થઈ છે એમ કહેવા કરતાં, પલ્લવિત અને નવપલ્લવિત થઈ છે, એમ કહેવું ઉચિત લેખાશે. અમરેલીની મૂકબધીર શાળા રજનીકુમારના જ એક લેખ દ્વારા અસ્તિત્ત્વમાં આવી હતી. સાવરકુંડલાનું ઓમકાર કેળવણી મંડળ, અમદાવાદનું નાસા ફાઉન્ડેશન, જેતપુરની મૂકબધીર શાળા, સુરતનું ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, બીલીમોરાનો મહાવીર વૃધ્ધાશ્રમ અને વિધવાશ્રમ જેવી સંસ્થાઓની યાદી જોતાં એ ખ્યાલ આવે છે કે તેમણે ગ્રામ્ય, શહેરી કે અર્ધશહેરી એવા તમામ વિસ્તારોની સંસ્થાઓની મુલાકાતો લીધી છે. આવી અનેક સંસ્થાઓ છે, જેની વાત આ શ્રેણીનાં વિવિધ પુસ્તકોમાં આવશે. દેશવિદેશમાં વસતા અનેક દાતાઓનો મોટો વર્ગ એવો છે જે રીતસર રાહ જોતો હોય કે આ વખતે રજનીકુમાર કઈ સંસ્થા વિષે લખવાના છે! સંસ્થાઓ ઉપરાંત અનેક વાર તેમણે વ્યક્તિગત દાન માટે પણ અપીલ કરી છે અને તેનો પણ એવો જ પ્રતિસાદ તેમના વાચકોએ આપ્યો છે. જાફરહુસેન મન્સુરી નામના ગરીબ હૃદયરોગીની બાયપાસ સર્જરી માટે રૂ. સાડા ત્રણ લાખ તેમના એક લેખથી એક જ સપ્તાહમાં એકઠા થઈ શક્યા હતા અને જાફરહુસેનને નવજીવન પ્રાપ્ત થયું હતું. થેલેસેમીયા પિડીત એક બાળક વિષે લખીને તેમણે બ્લડ પમ્પ મેળવી આપ્યો હતો અને એક નિરાધાર નિઃસંતાન વૃદ્ધ દંપતિને આજીવન દત્તક લેનાર એક પુત્ર પણ મેળવી આપ્યો હતો. આમ, તરસ્યા અને તળાવ વચ્ચે આવી સેતુરૂપ કામગીરી તેમણે આ રીતે બજાવી છે. આ યાદી સંપૂર્ણ નથી, તેમજ આ યાદી દ્વારા તેમની ઠાલી પ્રશંસા કરવાનો પણ કોઈ આશય નથી. કેવળ તથ્ય ખાતર તે અહીં જણાવ્યું છે.
રજનીકુમારનાં આ પ્રકારનાં સંસ્થાકીય લખાણોને વાચકોના પ્રચંડ પ્રતિસાદ ઉપરાંત અનેકવિધ સન્માનો પણ મળ્યાં છે. ૧૯૮૪ના શ્રેષ્ઠ ગ્રામલક્ષી કટાર આલેખન માટે ગુજરાત સરકારનો ઍવોર્ડ, તેમજ શ્રેષ્ઠ ગ્રામલક્ષી આલેખન માટેનો પ્રતિષ્ઠિત સ્ટેટ્મેન ઍવોર્ડ (૧૯૮૯), શ્રેષ્ઠ સમાજલક્ષી આલેખન માટે હરિઓમ આશ્રમનો ઍવોર્ડ (૧૯૯૫), ગુજરાત દૈનિક અખબારસંઘનો ૧૯૯૪નો સૌરાષ્ટ્ર સમાચારઍવોર્ડ (૧૯૯૫), ગુજરાત સરકારનો શ્રેષ્ઠ ગ્રામલક્ષી કટારલેખનનો રૂપિયા પચ્ચીસ હજારનો ઍવોર્ડ (૧૯૯૭) જેવાં સન્માનોથી તેમની કલમ પોંખાઈ છે.
આ પ્રકારના લેખોની શ્રેણીમાંનું આ પહેલું પુસ્તક છે. તેમાં ઉલ્લેખાયેલી સંસ્થાઓના આરંભથી લઈને તેની કામગીરી તેમજ જરૂરિયાતની વિગતો વાચકો માટે, નાનીમોટી સહાય કરવા ઈચ્છતા સહૃદયી દાતાઓ માટે હાથવગી બની રહેશે. સંસ્થાઓના સંપર્કની વિગતો પણ તેમાં સમાવાયેલી છે.
આવા વિશિષ્ટ સંપાદનની તક આપવા બદલ વી.આર.ટી.આઈ.ના શ્રી ગોરધનભાઈ કવિ તેમજ રજનીકુમારનો આભારી છું. સામાન્ય વાચકથી લઈને સંસ્થાના સંચાલકો તેમજ દાતાઓ સુધીના સહુ કોઈને સેવાની આ સરવાણી ફળશે એનો મને વિશ્વાસ છે. 
-     બીરેન કોઠારી

                                             **** **** ****                                             પુસ્તક મંગાવવા અંગેની વિગતો:
પૃષ્ઠસંખ્યા: 144, પાકું પૂંઠું
કદ: ડેમી
કિંમત: રૂ. 400/- (વિશેષ વળતરરૂપે આ પુસ્તક રૂ. 200/-માં - રવાનગી ખર્ચ અલગ, અથવા રવાનગી ખર્ચ સાથે રૂ. 250/-માં) 
જાણીતા પુસ્તકવિક્રેતાઓ પાસેથી. 
પ્રકાશક પાસેથી સીધા મંગાવવું હોય તો અહીં:
ગોરધન પટેલ કવિ’,
વિવેકગ્રામ પ્રકાશન,
વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ.
માંડવી-કચ્છ. પીન- ૩૭૦૪૬૫
ફોન- (૦૨૮૩૪) ૨૨૩૨૫૩, (૦૨૮૩૪) ૨૨૩૯૩૪. ફેક્સ-૨૨૩૮૩૮



No comments:

Post a Comment