વડોદરામાં આજકાલ 'જોરો શોરો થી ચાલતા' 'ગ્રેટ ગોલ્ડન સર્કસ' વિશે ખબર પડી ત્યારથી નક્કી કરેલું કે એ સપરિવાર જોવા જવું, કેમ કે, સર્કસથી વધુ સપરિવાર મનોરંજન કોઈ લાગ્યું નથી. સર્કસ એટલે વિશુદ્ધ અને સાતત્યપૂર્વકનું મનોરંજન. એક વાર બેઠક પર ગોઠવાયા પછી શો પતે ત્યારે જ ઊભા થવાનું. આ અગાઉ 2011માં વડોદરામાં સર્કસ આવેલું અને સપરિવાર જોવા ગયેલાં. એ પછી એના વિશે બે પોસ્ટ પણ લખેલી. એ વાતને ચૌદ વરસ વીત્યાં.
સર્કસ વિશે જેટલી વાર વિચારું એટલી વાર મનમાં અનેક સવાલો પેદા થાય, પણ કદી એની મુલાકાત લઈને જવાબો મેળવવાનું બન્યું નથી. ગઈ કાલનું સર્કસ જોતાં કેટલાંક નીરિક્ષણો અનાયાસે નોંધાયા.
 |
તંબુનો ઘટેલો વિસ્તાર |
સર્કસમાં પશુપક્ષીઓનો ઊપયોગ પ્રતિબંધિત થયો એ પછી એનું આકર્ષણ ઓસરે એ સ્વાભાવિક છે, પણ એમ છતાં સર્કસ ટકી રહ્યું છે. એનો અર્થ એ કે તેમણે બીજા પ્રયોગો ઊમેરીને આકર્ષણ ટકાવી રાખ્યું હશે. સર્કસનો માહોલ એવો હોય છે કે સ્થળ પર પહોંચીએ ત્યારથી જ આપણા મનમાં સર્કસ ચાલુ થઈ ગયું હોય.
 |
સર્કસની એક ઓળખ એટલે આવા અસંખ્ય ટેકા |
મુખ્યત્વે દક્ષિણ ભારતીય શૈલીએ દોરાયેલાં 'પોપ આર્ટ' પ્રકારનાં સર્કસના ખેલ દર્શાવતા હોર્ડિંગ્સ એમાં ઊમેરો કરે. ગઈ કાલના સર્કસમાં હવે એ સ્થાન ફોટોગ્રાફ્સે લીધેલું જણાયું. એટલે કે તંબુની બહાર મોટા મોટા ફોટોગ્રાફ્સ ફ્લેક્સ કે બીજી કોઈ સામગ્રી પર જોવા મળ્યા. આ ઊપરાંત તંબુનું કદ પણ ઘણું નાનું લાગ્યું. ટિકીટ લઈને દરવાજામાંથી તંબુ સુધીના પેસેજ પરથી પસાર થતાં આસપાસ જે વિશિષ્ટ પ્રકારની ગંધ (મોટે ભાગે પ્રાણીઓની લાદની) આવતી તે સદંતર ગાયબ હતી, અને પેસેજમાં બન્ને બાજુએ વિવિધ કાર્ટૂનપાત્રો દર્શાવતાં આદમકદ ફ્લેક્સ લગાવેલાં હતાં. સર્કસમાં એની પોતાની એક આગવી 'પોપ આર્ટ' જોવા મળતી એનું સ્થાન હવે વધુ 'ફિનિશ્ડ' ડિજીટલ આર્ટે લીધું છે.
 |
દરવાજાથી તંબુ તરફનો પેસેજ |
તંબુમાં પ્રવેશ્યા પછી બેઠકવ્યવસ્થા પણ પ્રમાણમાં મર્યાદિત જણાઈ. પહેલાં જેનું ખાસ આકર્ષણ હતું એ 'ગેલરી' એટલે કે 'પગથિયાં'ની જેમ ગોઠવેલી પાટલીઓ નહોતી. તેને બદલે બધે જ પ્લાસ્ટિકની ખુરશીઓ આવી ગઈ છે. આને કારણે જાણે કે તંબુ સંકોચાઈને નાનો થઈ ગયો હોય એમ લાગ્યું.
બાળપણમાં સર્કસની અંદરનું એક મહત્ત્વનું આકર્ષણ 'લાઈવ મ્યુઝીક' હતું, જેમાં મુખ્યત્વે એક ડ્રમર અને એક સેક્સોફોનવાદક અનિવાર્યપણે હોય જ. તેને બદલે હવે 'પ્રિ રેકોર્ડેડ મ્યુઝીક' સમગ્ર શો દરમિયાન સંભળાતું રહ્યું.
સર્કસના ખેલમાં મુખ્યત્વે સંતુલન અને અંગકસરતના દાવ હતા. એકાદ જાદુની આઈટમ. એ અનુભવાયું કે હવે મનોરંજન આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ ગયું છે એવા સમયમાં કૌતુકપ્રેરક ખેલ શોધવા પડકારજનક છે. પ્રેક્ષકોની સાવ પાંખી સંખ્યા જોયા પછી એમ કરવાનો ઉત્સાહ ટકવો મુશ્કેલ છે.
 |
જમાનાને અનુરૂપ 'સેલ્ફી' લઈને 'ઈન્સ્ટા' પર મૂકવાનું સૂચન |
સમગ્રપણે સર્કસમાં માનવબળ ઘણું ઓછું જણાયું. અગાઉના સર્કસમાં રીંગની બહાર ઊભા રહેતા અને વિવિધ ખેલની ચીજવસ્તુઓ ગોઠવતા લોકો પંદરવીસ તો રહેતા! હવે તો એ સાવ પાંચ-સાત હોય એમ લાગ્યું. એ જ રીતે ખેલાડીઓની સંખ્યા પણ ઘટેલી લાગી. એકનું એક જૂથ વસ્ત્રો બદલીને ત્રણ-ચાર આઇટમ રજૂ કરવા આવે એ સામાન્ય લાગ્યું.
સર્કસમાં સૌથી મજા હોય એમાં જોવા મળતી ચિત્રવિચિત્ર વસ્તુઓ કે સાધનોની. આ વખતે એ સાવ ઓછી જોવા મળી. 'મોતનો ગોળો' અને એમાં ચાલતી બાઈક હંમેશાં ભયપ્રેરક કુતૂહલ જન્માવતાં રહ્યાં છે.
સર્કસમાં એક મુખ્ય આકર્ષણ ઝૂલાના ખેલનું હોય છે. આ સર્કસમાં છેલ્લે દેખાડાયેલા એ ખેલમાં ગણીને માત્ર ચાર જ કરતબબાજો હતા, અને એમાં એક તો જોકર. એટલે ત્રણ જ ઝૂલાબાજોએ સાવ ઓછા સમય માટે ખેલ દેખાડ્યો.
પ્રાણીઓનો ખેલ બંધ થયો એ સાથે જ રીંગ માસ્ટર પણ લુપ્ત થયા હશે.
બધું મળીને બે કલાકમાં સર્કસનો ખેલ પૂરો થયો. અમને એમ લાગ્યું કે સર્કસમાં લોકોનો રસ કદાચ ઓછો થયો હોય કે એમને ટકી રહેવાનો સંઘર્ષ હોય એને લઈને, પણ ખેલનું વૈવિધ્ય ઘટ્યું છે, એમ ચોકસાઈ પણ ઘટી છે.
ભલે એમ હોય તો એમ, પણ સર્કસની એક આગવી મજા છે જ.